તમામ બાળકોની ઉંમર ૦થી ૧૮ વર્ષ સુધીની,ગેહલોત સરકાર એલર્ટ : રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી! ૩૪૧ બાળકો પોઝિટિવ : ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે કોરોના પોઝિટિવ આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તમામ કેસ ૧મેથી ૨૧મે દરમ્યાન નોંધાયા
(જી.એન.એસ.)જયપુર,તા.૨૩
કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં ત્રીજી લહેરના આગમનથી સ્થિતિ વધુ ભયજનક બની છે. રાજસ્થાનના દૌસા ખાતે કોરોનાની ત્રીજી લહેરનું આગમન વર્તાઈ રહ્યું છે. દૌસા ખાતે ૩૪૧ બાળકો કોરોનાની લપેટમાં આવ્યા છે, મતલબ કે ૩૪૧ બાળકોમાં કોરોના સંક્રમણની પૃષ્ટિ થઈ છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.
દૌસા ખાતે ૩૪૧ બાળકોને કોરોના થયો છે અને તે તમામની ઉંમર ૦થી ૧૮ વર્ષ સુધીની છે. આ તમામ કેસ ૧ મેથી ૨૧ મે દરમિયાન નોંધાયા છે. જિલ્લાના ડીએમના કહેવા પ્રમાણે ૩૪૧ બાળકો કોરોના સંક્રમિત આવ્યા છે પરંતુ તે પૈકીના કોઈની સ્થિતિ સીરિયસ નથી. હાલ કોવિડની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા હોસ્પિટલને એલર્ટ કરી દેવામાં આવી છે.
આ બધા વચ્ચે રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના અટકાવવા માટે રાજસ્થાન સરકારે યુદ્ધ સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંતર્ગત સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામે-ગામ અને ડોર-ટુ-ડોર ફરીને લોકોનો કોવિડ ટેસ્ટ કરશે. ગામોમાં જ કોવિડ સેન્ટર બનાવાશે અને પોઝિટિવ નોંધાય તે દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે. આ માટે ઘરે-ઘરે સર્વે અભિયાનની શરૂઆત પણ કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજી લહેર પહેલા જ બાળકોમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં બાળકોમાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે કોરોના પોઝિટિવ આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સંજાેગોમાં દૌસા ખાતે ૩૪૧ બાળકો કોરોનાની લપેટમાં આવ્યા તેથી મુશ્કેલીઓ વધી શકે છે.
કોરોનાની પહેલી લહેર દરમિયાન ૯ માર્ચથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ૧૯,૩૭૮ કેસ નોંધાયા હતા અને ૧૧થી ૨૦ વર્ષની ઉંમરના બાળકોના ૪૧,૯૮૫ કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાની બીજી લહેરમાં તમામ રેકોર્ડ તૂટતા દેખાયા હતા. માત્ર ૧૫ દિવસ એટલે કે ૧થી ૧૬ મે ૨૦૨૧ દરમિયાન ૧૯,૦૦૦ બાળકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે.
નિષ્ણાતોના મતે મોટાભાગના બાળકો જે કોવિડથી પ્રભાવિત છે તેમનામાં સામાન્યરૂપે હળવો તાવ, ખાંસી, શરદી, શ્વાસ લેવામાં મુશ્કેલી, કબજિયાત, થાક, સૂંઘવા-સ્વાદની ક્ષમતા ઘટવી, ગળામાં ખારાશ, માંસપેશીઓમાં દુખાવો તથા નાક વહેવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.