મુખ્યમંત્રીએ આરોપીઓ પર એનએસએ લગાવવાનો આદેશ આપ્યો : ઉત્તરપ્રદેશના અલીગઢમાં લઠ્ઠાકાંડ : ઝેરી શરાબ પીવાથી ૭ના મોત નિપજ્યાં
(જી.એન.એસ.)અલીગઢ,તા.૨૮
ઉત્તર પ્રદેશનાં અલીગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝેરી દારૂ પીવાથી ૭ લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં અલીગઢ એચપી ગેસ પ્લાન્ટનો ટ્રક ચાલક પણ હતો. આ ઉપરાંત લોધા ક્ષેત્રનાં કરસુઆ, નિમાના, હૈવતપુર, અંડલા ગામનાં ગામ લોકો પણ મૃત્યુ પામ્યા છે. ઘણા લોકોની હાલત નાજુક છે. સ્થાનિક હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.
અલીગઢનાં ગામોમાં ઝેરી દારૂથી મોત થયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. આ સાથે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. અલીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર ભૂષણ સિંહે કહ્યું કે, અત્યાર સુધીમાં ૭ લોકોનાં મોત નીપજ્યાં છે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, તપાસમાં જે બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
અલીગઢનાં પોલીસ સ્ટેશન લોધા વિસ્તાર હેઠળ કરસુઆ ગામમાં ઝેરી દારૂ પીવાને કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે મૃતકો ગામમાંથી જ દારૂ પીધો હતો અને દારૂ ખરીદ્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી બે કરસુઆ સ્થિત એચપી ગેસ બોટલિંગ પ્લાન્ટનાં ડ્રાઇવર છે. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મામલે એક્શનમાં આવી ગયા છે. તેમણે અલીગઢના અધિકારીઓ સાથે વાત કરીને પીડિતોની મદદ કરવા નિર્દેશ આપ્યો છે અને આરોપીઓ પર એનએસએ લગાવવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે જ જાે કોઈ સરકારી દુકાનેથી દારૂ ખરીદવામાં આવ્યો હોય તો તેને સીઝ કરવા અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવા પણ કહ્યું છે.
ગ્રામજનોની ફરિયાદને પગલે વહીવટી અને પોલીસ અધિકારીઓએ દેશી દારૂનો કરાર સીલ કરી દીધો છે. તેમજ દારૂનાં સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. તપાસ પછી જ જાણી શકાશે કે લોકો કેવી રીતે મોતને ભેટ્યા છે? શું ઠેકા પર નકલી દારૂ વેચાય છે? દરમિયાન ગ્રામજનો રોષે ભરાયા છે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.