અફઘાનિસ્તાન,પાકિસ્તાન,બાંગ્લાદેશથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને મોદી સરકાર નાગરિકતા આપશે
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૯
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો એક ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો છે. કેન્દ્રએ દેશના ૧૩ જિલ્લાઓમાં રહેતા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવા તેમની અરજી માંગી છે.
આ શરણાર્થીઓ ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના ૧૩ જિલ્લાઓમાં આશરો લઈ રહ્યા છે. તેમનો ધર્મ હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ વગેરે છે. શુક્રવારે તેમના પાસેથી ભારતીય નાગરિકતા માટેની અરજી માંગવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાયદો ૧૯૫૫ અને ૨૦૦૯માં કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો અનુસાર આદેશના તાત્કાલિક અમલીકરણ માટે આ પ્રકારના આશયની સૂચના જાહેર કરી હતી. જાે કે સરકારે ૨૦૧૯માં લાગુ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) અંતર્ગત નિયમોને હજુ તૈયાર નથી કર્યા.
વર્ષ ૨૦૧૯માં જ્યારે સીએએ લાગુ થયો ત્યારે દેશના વિવિધ હિસ્સાઓમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયું હતું અને આ વિરોધ પ્રદર્શનો વચ્ચે ૨૦૨૦ની શરૂઆતમાં દિલ્હીમાં રમખાણ પણ થયા હતા.
નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પ્રમાણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમનનો શિકાર એવા અલ્પસંખ્યકો બિનમુસ્લિમોને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે જેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધીમાં ભારત આવી ગયા હતા.

