દાહોદ નગરમાં સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કાર્યરત વિવિધ પ્રોજેક્ટોની ચકાસણી માટે અધિકારીઓને હુકમ : સ્માર્ટસીટી અંતર્ગત હાલમાં રૂ. ૫૫૯.૮૯ કરોડના વિવિધ પ્રોજેક્ટો અમલીકરણ હેઠળ છે


દાહોદ તા.૩૧

દાહોદ નગરમાં સ્માર્ટ સીટી યોજના અંતર્ગત વિવિધ પ્રોજેક્ટો પરની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. જેમાં ભુગર્ભ ગટર લાઇન અને પમ્પીંગ સ્ટેશન, પાણીની લાઇન, વોટર મીટર અને પાણીની ટાંકી, સ્ટોર્મ વોટર પાઇપલાઇન સહિતના આઠેક પ્રોજેકટોની કામગીરીની પ્રગતિ અને કામની ચકાસણી કરવા માટે વિવિધ અધિકારીઓને કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા તપાસણીનો હુકમ કરવામાં આવ્યો છે. તપાસણી અધિકારીઓએ પ્રોજેક્ટના ટેકનીકલ પાસા સહિતની તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ નિયત સમયમર્યાદામાં અહેવાલ આપવાનો છે. તપાસણી અધિકારીઓએ પ્રોજેક્ટ ચકાસણીની કામગીરી શરૂ કરી દીધી છે.
દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ દ્વારા વિવિધ આઠેક પ્રોજેકટો જેમની કામગીરીની ચકાસણી કરવાની છે તેમાં ‘ભુગર્ભ ગટર લાઇન અને પમ્પીંગ સ્ટેશન’, ‘પાણીની લાઇન, વોટર મીટર અને પાણીની ટાંકી’, ‘ સ્ટોર્મ વોટર પાઇપલાઇન ’, ‘છાબ તળાવ ડેવલોપમેન્ટ’, ‘આઇસીસીસી બિલ્ડીંગ’, ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ’, ‘સોલીડ વેસ્ટ કલેક્શન’, ‘આઇટી પ્રોજેક્ટ’ ની ચકાસણી કાર્યપાલક ઇજનેરશ્રી, ચીફ ઓફીસરશ્રી, આઇસીટી ઓફીસર જેવા તકનીકી બાબતોના જાણકાર અધિકારીઓ દ્વારા કરાશે.
સ્માર્ટ સીટી યોજના અંતર્ગતના ઉક્ત કાર્યોની પ્રગતિ જોઇએ તો આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ જેમાં સીટી સર્વેલન્સ, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ, સ્માર્ટ પોલ, ઇએમઆર અને ટેલીમેડિસીન જેવા વિવિધ કામગીરીમાં ૯૨ ટકા કામગીરી આટોપી લેવામાં આવી છે, આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૨૮ કરોડની રકમ ખર્ચ કરવામાં આવશે. વરસાદી પાણીને જળાશયમાં એકત્રિત કરવાના રૂ. ૧૨૧.૧૮ કરોડના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ અંતર્ગત ૬૨.૫૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે રૂ. ૩૪.૬૩ કરોડના સીવરેજ પ્રોજેક્ટ જેમાં ઘરના દુષિત પાણીનો યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં ૬૭.૨૦ ટકા કામગીરી કરવામાં આવી છે.
પીવાનું શુદ્ધ પાણી અને પાણી વિતરણ વ્યવસ્થા મીટર અંગેના વોટર સપ્લાય પ્રોજેક્ટનાં રૂ. ૯૯.૩૩ કરોડનાં પ્રોજેક્ટમાં ૪૮.૬૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત રૂ. ૨૩.૦૪ કરોડનાં આઇસીસીસી બિલ્ડીંગ પ્રોજેક્ટમાં ૬૬ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ છાબ તળાવના નવીનીકરણના રૂ. ૧૧૦.૫૯ કરોડના છાબ તળાવ પ્રોજેક્ટમાં ૨૧ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વરસાદી પાણીને જમીનમાં રીચાર્જ કરવા માટેના રૂ. ૮.૯૦ કરોડના રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટમાં ૯૩ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
દાહોદ નગરમાં હાલમાં સ્માર્ટસીટી અંતર્ગત રૂ. ૫૫૯.૮૯ કરોડના વિવિધ પ્રોજેક્ટો અમલીકરણ હેઠળ છે. જેમાંથી આઠ પ્રોજેક્ટમાં કામગીરીની ગુણવત્તા, પ્રગતિ વગેરે બાબતે ચકાસણી કરવા અધિકારીઓના હુકમ કરવામાં આવતા અધિકારીઓએ ચકાસણીની કામગીરી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: