દાહોદ જિલ્લામાં કોરોનાકાળમાં ૭૮૦૦ પેન્શનર્સને પ્રતિ માસ રૂ. ૧૬ કરોડના સમયસર ચૂકવણા : દાહોદ જિલ્લા તિજોરી કચેરી દ્વારા નિવૃત કર્મચારીઓની ખેવના રાખી કોરોના કાળમાં પેન્શન અપાયા

દાહોદ તા.૦૨

આજના સરકારી કર્મચારી આવતી કાલના પેન્શનર છે. રાજ્ય સરકારની કોઇ વિભાગની કચેરીમાં કામ કરતા હોય પણ નિવૃત્તિ બાદ તેને સમયસર પેન્શન આપી સંભાળ રાખવાની કામગીરી તિજોરી કચેરી કરે છે. કોરોના કાળમાં પણ દાહોદની તિજોરી કચેરીએ ૭૮૦૦ નિવૃત્ત કર્મયોગીઓની સંભાળ રાખવાનું ચૂકી નથી.
કહેવાય છે કે સરકારનું કામ એ ભગવાનનું કામ છે. સરકારી ફરજ સવેતન લોકસેવા કરી પુણ્ય કમાવાની તક આપે છે. આવી લોકસેવા કરી નિવૃત્ત થનારા કર્મયોગીની ખેવના સરકાર પેન્શન તરીકે જીવાઇ આપીને કરે છે. તમામ કર્મયોગીઓના જીવનમાં નિવૃત્તિ એ મહત્વપૂર્ણ પ્રસંગ છે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ પદોને આધારે નિવૃત્તિની વયમર્યાદા નિયત કરી છે. સ્વૈચ્છિક નિવૃત્તિ અને ફરજિયાત નિવૃત્તિના નિયમો પણ છે. રાજ્ય સરકારમાં હાલમાં મોટા ભાગે બે મર્યાદા નિયત કરવામાં આવી છે. એક ૫૮ વર્ષ અને બીજી ૬૦ વર્ષ છે. રાજ્ય સરકારના કર્મચારી નિવૃત્ત થવાના હોય તેના એક વર્ષ પૂર્વેથી સંબંધિત કર્મચારીના પેન્શનની તૈયારી જે તે સરકારી કચેરી દ્વારા કરવામાં આવે છે.
આ બાબતની સમીક્ષા પણ સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર કક્ષાએ કરવામાં આવે છે. એક વખત પેન્શનના કાગળો તૈયાર થઇ જાય એ બાદ પેન્શન નિયામકશ્રીની કચેરીને મોકલવામાં આવે છે. ત્યાંથી મંજૂર થઇ આવે એટલે જે તે કર્મચારીનો સીધો નાતો જિલ્લા તિજારી કચેરી સાથે જોડાઇ જાય છે.
જિલ્લા તિજોરી અધિકારી શ્રી રાજુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે દાહોદ જિલ્લા તિજોરી કચેરીમાં હાલમાં ૭૮૦૦ જેટલા પેન્શનર્સ જોડાયેલા છે. તિજોરી કચેરી દ્વારા આ નિવૃત્ત કર્મચારીઓને પ્રતિમાસ રૂ. ૧૬ કરોડ જેટલું પેન્શન ચૂકવવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન આવેલા લોકડાઉન ઉપરાંત અડધા સ્ટાફ સાથે કામગીરી રાખવા આદેશ બાવજૂત તિજારી કચેરી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને પેન્શન નિયમિત મળી જાય એ રીતે સુંદર કામગીરી કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં આવેલી રાષ્ટ્રીયકૃત્ત બેંકોની ૪૪ શાખાઓમાં તિજોરી કચેરી દ્વારા પેન્શન જમા કરવામાં આવે છે. તે પૈકી પેન્શનર્સના સૌથી વધુ ૧૭૦૦ ખાતાઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં છે. તે બાદ ઝાલોદ એસબીઆઇમાં ૧૧૦૦, દેવગઢ બારિયા એસબીઆઇમાં ૭૦૦ ખાતાઓ છે.
પેન્શનર્સના અવસાન બાદ તેમના પતિ કે પત્નીને પારિવારિક જવાઇ આપવાની કામગીરી પણ તિજોરી કચેરી દ્વારા સારી રીતે કરવામાં આવે છે. કર્મચારીઓના હિતો પ્રત્યે સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા મૂળ પેન્શનર્સના અવસાન બાદ તેના પરિવારને પ્રથમ ૧૦ વર્ષ સુધી પૂર્ણ પેન્શન આપવામાં આવે છે. એ બાદ ૩૦ ટકા પેન્શન આપવામાં આવે છે. દાહોદની તિજોરી કચેરી દ્વારા આ કામગીરી પણ ઝડપથી કરવામાં આવે છે. કચેરીની પેન્શન શાખાના હિસાબનીશ શ્રી પી. એફ. પટેલ, શ્રી મુક્તિ ડામોર, શ્રી કોકીલાબેન ભાભોર, શ્રી પંકજભાઇ ડાંગી તથા શ્રી ગોવિંદભાઇ ડામોર આ કામગીરી સારી રીતે કરી રહ્યા છે.
પ્રતિ વર્ષ પેન્શનરને હયાતીની ખરાઇ કરવાની હોય છે. હવે આ પ્રક્રીયા પણ ઓનલાઇન કરવામાં આવી છે. એટલે વૃદ્ધ પેન્શનર્સને સરળતા ઉભી થઇ છે. આમ છતાં, કોઇ બાકી રહી ગયા હોય તો તેમને તિજોરી કચેરી ખાતે હયાતીની ખરાઇ કરી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: