હાલોલથી રોયલ એનફીલ્ડ મોટરસાઈકલની ચોરી કરી દાહોદમાં લટાર મારવા નીકળેલા બે ઈસમોને મોટરસાઈકલ સાથે પોલીસે ઝડપી પાડ્યાં
દાહોદ તા.૦૨
પંચમહાલના હાલોલમાંથી રોયલ એનફીલ્ડ મોટરસાઈકલની ચોરી કરી દાહોદમાં લટાર મારતાં બે યુવકોને પોલીસે ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ધાડ, લુંટ, ઘરફોડ ચોરી, મિલ્કત સંબંધી બનતા ગુન્હાઓને અટકાવવા સારૂ દાહોદ શહેર પોલીસને મળેલ ઉચ્ચ સ્તરીય સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેરમાં વાહન ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ શહેર પોલીસ શહેરના યાદગાર ચોક ખાતે વાહન ચેકીંગ હાથ ધરી રહી હતી. આ દરમ્યાન ત્યાંથી એક રોયલ એનફીલ્ડ બુલેટ પર સવાર થઈ બે વ્યક્તિઓ પસાર થતાં પોલીસને મોટરસાઈકલ પર અને તેની ઉપર સવાર બંન્ને યુવકો પર શંકા જતાં મોટરસાઈકલ ઉભી રખાવી બંન્ને યુવકોની પુછપરછ સહિત મોટરસાઈકલના કાગળો દર્શાવવાની માંગણી કરી હતી પરંતુ મોટરસાઈકલના કાગળો દર્શાવવામાં બંન્ને યુવકો ગભરાતાં અને મોટરસાઈકલની આગળ, પાછળની નંબર પ્લેટ કાઢી નાંખેલ હોવાનું પોલીસને જણાતાં પોલીસે સખ્તતાઈથી બંન્ને યુવકોની પુછપરછ કરતાં એકે પોતાનું નામ મેહુલ કૈલાશચંદ્ર પરમાર (ઉ.વ.૨૧, રહે.જુની કોર્ટ રોડ, ડબગરવાસ, દાહોદ) અને બીજાએ પોતાનું નામ હિતેશભાઈ કમલેશભાઈ નીનામા (ઉ.વ.૨૨, રહે.કે.કે.સર્જીકલની ગલી, દાહોદ) જણાવ્યું હતું અને આ મોટરસાઈકલ હાલોલથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.
આ બાદ દાહોદ શહેર પોલીસે મોટરસાઈકલ કબજે લઈ બંન્ને યુવકોને જેલના સળીયા પાછળ ધકેલી દઈ હાલોલ પોલીસને આ મામલે જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.