દાહોદમાં કોરોનાની ત્રીજી લહેરમાં આઠ હજાર સગર્ભા મહિલાઓની વિશેષ સંભાળ રખાશે : ત્રીજી લહેર દરમિયાન પ્રસુતીની તારીખ ધરાવતી મહિલાઓની આશા અને આંગણવાડી વર્કર્સ મારફત તકેદારી રખાશે : દાહોદ જિલ્લાની સગર્ભા મહિલાઓ માટે ઝાયડ્સમાં અલાયદી વ્યવસ્થાનું પણ આયોજન, સિઝેરિયનના કિસ્સા પર ખાસ લક્ષ્ય
જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થઇ રહ્યું છે ત્યારે, બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સંભવિત પ્રસુતીની શક્યતા ધરાવતી ૮ હજાર જેટલી સગર્ભા મહિલાઓના આરોગ્ય વિશેષ તકેદારી રાખવાનું નિયત કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરના અનુભવો પરથી એવું તારણ નીકળ્યું છે કે, પ્રથમ લહેરમાં ૬૦ વર્ષથી ઉંમરના લોકો વધુ પ્રમાણમાં સંક્રમિત થયા હતા. પ્રથમ લહેરમાં આ વયજૂથના કોમોરબિડી ધરાવતા લોકોના મૃત્યું અન્ય કરતા વિશેષ થયા હતા. એ જ પ્રમાણે બીજી લહેરમાં યુવાનોમાં સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. એટલે, કોરોના વાયરસનો ટ્રેન્ડ એજ ગ્રુપ શિફ્ટ કરતો રહ્યો છે. એમ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે.
સગર્ભા મહિલાઓની નોંધણી સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવે છે અને આવી મહિલાઓને મમતા કાર્ડ આપવામાં આવે છે. આશા વર્કર દ્વારા આવી મહિલાઓના આરોગ્યની સંભાળ રાખવામાં આવે છે. દાહોદમાં આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કુલ ૮ હજાર જેટલી મહિલાઓની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી છે. સરળ શબ્દોમાં વાત કરીએ તો આ માસમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શક્યતાને ધ્યાને રાખીને આ મહિલા અને તેના બાળકોને સંક્રમણ લાગવાની શક્યતા વધુ રહી છે.
આ બાબતને ધ્યાને રાખીને આશા વર્કર અને આંગણવાડી કાર્યકર દ્વારા આવી મહિલાઓની વિશેષ સંભાળ લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. સગર્ભા મહિલાઓને સંક્રમણથી કેવી રીતે બચી શકાય એ બાબતની સ્પષ્ટ સમજણ આપવાની સાથે તેને પૂરક પોષણ પણ આંગણવાડી કાર્યકર મારફત આપવામાં આવી રહ્યું છે.
દાહોદ નગર સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ માટે અલાયદી વ્યવસ્થાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નવજાત શિશુને કોરોના થાય એવા કિસ્સામાં માતાને પણ તેમની સાથે રાખવાની બાબત પણ વિચારવામાં આવી રહી છે.
સમગ્ર દાહોદમાં પ્રતિ વર્ષ ૬૦ હજાર જેટલી પ્રસુતી થાય છે. એ પૈકી ૧૫ ટકા સુધીના કિસ્સામાં સિઝેરિયન કરવું પડે છે. આ ઉપરાંત માત્ર એકાદ ટકા જેટલી ડિલિવરી ઘરે થાય છે. આ બધા પરિબળોને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેરની તૈયારીઓ કરવામાં આવી રહી છે.