જાે મહિલાનું અફેર હોય તો પણ તેનાથી તે ખરાબ માતા નથી બની જતી : પત્નીનું બીજા સાથે અફેર હોય તો પણ બાળકને તેનાથી દૂર ના કરી શકાય : હાઈકોર્ટ : હાઈકોર્ટનું તારણ, ઘણીવાર મહિલાના ચારિત્ર્ય પર કોઈ આધાર વિના આરોપ લગાવાય છે


(જી.એન.એસ.)ચંડીગઢ,તા.૩
દાંપત્યજીવનમાં તકરારના એક કેસમાં મહત્વનો ચુકાદો આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું છે કે જાે પત્નીનું બહાર અફેર હોય તો પણ બાળકને તેનાથી દૂર ના કરી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે, લગ્નેત્તર સંબંધથી મહિલા એક ખરાબ માતા નથી બની જતી. જેથી, તેને બાળકની કસ્ટડી આપવાનો ઈનકાર કરી શકાય નહીં.
પંજાબના ફતેહગઢ સાહિબની એક મહિલા દ્વારા કરવામાં આવેલી હેબિયસ કોર્પસ પિટિશન પર સુનાવણી કરતાં જસ્ટિસ અનુપિન્દર સિંઘ ગરેવાલે જણાવ્યું હતું કે, પૈતૃક સમાજમાં મહિલાઓના ચારિત્ર્ય પર ગમે તેવી ધારણા કરી લેવી જાણે સામાન્ય બાબત છે. ઘણીવાર આ આક્ષેપનો કોઈ આધાર જ નથી હોતો. એવું પણ માની લઈએ કે મહિલાનું અફેર છે, તો પણ તેનાથી એવું તારણ ના કાઢી શકાય કે તે મહિલા એક સારી માતા નહીં હોય, અને તેના આધારે તેને બાળકથી દૂર પણ ના રાખી શકાય.
આ કેસમાં હાઈકોર્ટે સાડા ચાર વર્ષની બાળકીની કસ્ટડી તેની માતાને સોંપવાનો પણ આદેશ કર્યો હતો. બાળકીની કસ્ટડી તેના પિતાએ માતા પાસેથી કથિત રીતે છીનવી લેતા માતાએ આ મામલે હેબિયસ કોર્પસ કરી હતી. ત્યારબાદ બાળકીને કોર્ટમાં હાજર કરાઈ હતી, અને કોર્ટે તેની કસ્ટડી માતાને સોંપવાનો આદેશ કર્યો હતો.
પોતાની પિટિશનમાં મહિલાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેના લગ્ન ૨૦૧૩માં થયા હતા. તેનો પતિ લુધિયાણાનો વતની હતો, અને ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતો હતો. લગ્ન બાદ તે પણ પતિ સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ હતી. ૨૦૧૭માં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જાેકે, ત્યારબાદ કપલ વચ્ચે ઝઘડા શરુ થયા હતા. જાન્યુઆરી ૨૦૨૦માં તેઓ ભારત આવ્યા હતા. તે વખતે ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ મહિલા પોતાના પિયર ગઈ હતી અને ત્યારથી પતિએ બાળકીની કસ્ટડી છીનવી લીધી હતી, અને બાળકીને માતાથી દૂર કરી દેવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!