દાહોદમાં આવેલો છે ૮૧૫.૩૭ ચો.કિ.મી.નો વનવિસ્તાર, રાજયમાં દિપડાની વસ્તીની દ્રષ્ટીએ દાહોદ બીજા ક્રમે : વનવિભાગ દ્વારા ૧૪૨ વનતલાવડી બનાવવામાં આવી, સુઝલામ સુફલામ યોજના અંતર્ગત ૩૫ વનતલાવડી બનાવવામાં આવી : સહભાગી વન વ્યવસ્થા હેઠળ ૨૮૯ મંડળી અંતર્ગત ૬૦૭૭૩ કુંટુંબોને આવરી લેવામાં આવ્યા


દાહોદ તા.૦૪

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાની અમૂલ્ય સંપદા સમાન તેના વનવિસ્તારનો પરિચય મેળવીએ. સાથે જંગલ વિસ્તારની જાળવણી અને વૃદ્ધિ કરતાં વનવિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી પણ મેળવીએ. દાહોદ જિલ્લાના નવેનવ તાલુકા જંગલ વિસ્તાર ધરાવે છે. કુલ ૮૧૫.૩૭ ચો.કિ.મી.નો જંગલ વિસ્તાર છે જે બારીયા વન વિભાગ અંતર્ગત આવે છે.
તાલુકા પ્રમાણે જોઇએ તો દેવગઢ બારીયા સૌથી વધુ વનવિસ્તાર ધરાવે છે, દેવગઢ બારીયામાં કુલ ૧૪૪.૮૬ ચો.કિ.મી. વિસ્તાર જયારે ધાનપુરમાં ૧૨૭.૭૭ ચો.કિ.મી., દાહોદમાં ૧૨૩.૬૪ ચો.કિ.મી., ઝાલોદમાં ૯૪.૬૪ ચો.કિ.મી., ફતેપુરામાં ૪૦.૬૬ ચો.કિ.મી. સંજેલીમાં ૬૧ ચો.કિ.મી., લીમખેડામાં ૧૦૮.૭૪ ચો.કિ.મી. વિસ્તાર, આ ઉપરાંત ગરબાડા અને લીમખેડા સહિત કુલ ૧૩ રેન્જ અહીં આવેલી છે.
છેલ્લા બે વર્ષમાં ૨૭૦૨ હેક્ટરમાં ૧૯.૮૫ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે જિલ્લાની ૧૩ નર્સરીમાં ૧૭.૧૨ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. આ રોપાઓનું ૧૭૯૧ હેક્ટર જંગલભાગમાં વાવેતર કરી ગાઢ જંગલ ઉભુ કરવામાં આવશે.
નાયબ વનસંરક્ષક શ્રી આર.એમ. પરમાર જણાવે છે કે, ગયા વર્ષમાં ૩૦.૩૩ લાખ કિ.ગ્રામ ઘાસનું ઉત્પાદન થયું હતું. અત્યારે બારીયા વન વિભાગ હસ્તકના ઘાસ ગોડાઉનમાં ૭૪.૩૩ લાખ ઘાસ સંગ્રહ કરવામાં આવ્યું છે. દાહોદમાં ગાઢ વનવિસ્તારમાં જંગલી પ્રાણીઓ પણ રહેતા હોય અવાર નવાર વન્યપ્રાણીઓ દ્વારા માનવહુમલા થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા ૮૯ બનાવો બન્યા છે. તેમજ ૭ વ્યક્તિના મરણ પણ થયાં છે. મૃતકોના પરીજનોને ૪ લાખની રાજય સરકાર દ્વારા સહાય કરવામાં આવી હતી.
સમગ્ર રાજયમાં દિપડાની વસ્તીની દ્રષ્ટીએ દાહોદ જિલ્લો બીજા નંબરે છે અને અત્યારે તેમની વસ્તીમાં વધારો થયો છે. જેથી દેવગઢ બારીયા તાલુકામાં ઉચવાણ જંગલ સર્વે નં. ૬૫માં રેસ્ક્યુ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. સહભાગી વન વ્યવસ્થા હેઠળ ૨૮૯ મંડળી અંતર્ગત ૬૦૭૭૩ કુંટુંબોને આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી ૨૩૨ મંડળીઓને અધિકાર પત્ર આપી જંગલ વિસ્તારના ૩૯૨૩૯.૨૨ હેક્ટર વિસ્તાર સંરક્ષણ માટે આપેલો છે. તેમજ પેસા એક્ટ હેઠળ ૩૩૩૦ લાભાર્થીને ૨૨૬૬.૪૨ હેક્ટર જંગલ વિસ્તાર ફાળવવામાં આવેલો છે. આ મંડળીના ૪૨૨ સભ્યોને વિના મૂલ્યે વાંસ નંગ ૬૧૪૧૧ આપવામાં આવ્યા છે જેની કિંમત રૂ. ૧૬ લાખ થાય છે.
દાહોદમાં ગત વર્ષે જંગલ વિસ્તારમાં ભૂમિ અને ભેજ સંરક્ષણ અંતર્ગત ૧૪૨ વનતલાવડી બનાવવામાં આવી છે. તેમજ ૧૪ ચેકવોલ અને પંચાવન પરકોલેશન ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. જયારે સુઝલામ સુફલામ યોજના અંતર્ગત ૩૫ વનતલાવડી, પાંત્રીસ પરકોલેશન ટેંક બનાવવામાં આવ્યા છે. જયારે આ વર્ષે જંગલ વિસ્તારમાં ૭૫ ચેકડેમ, ૧૮ ચેકવોલ અને પાંત્રીસ પરકોલેશન ટેન્કનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!