અંતેલા ગામે એકજ કુવામાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરતાં ચકચાર

દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક પ્રેમી પંખીડાએ ગામમાં આવેલ એકજ કુવામાં મોતની છલાંગ લાવી મોતને વ્હાલુ કરતાં બંન્ને પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો. અહીં ચોંકાવનારી માહિતી એવી મળી છે કે, યુવતીએ એક દિવસ પહેલાં કુવામાં ભુસકો માર્યાે જ્યારે યુવકે તેના બીજા દિવસે તેજ કુવામાં મોતની છલાંગ લગાવી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, યુવક અને યુવતી વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો પરંતુ એકજ ગામના હોવાના કારણે લગ્ન થઈ શકે તેમ ન હોવાને કારણે અને અગાઉ આ મામલે પંચ ભેગુ કરી મામલાનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ યુવતીના લગ્ન અન્ય જગ્યાએ કરી દેવામાં આવ્યાં હતાં પરંતુ ક્યાંકને ક્યાંક યુવક અને યુવતી વચ્ચે ત્યાર બાદ પણ પોતાનો પ્રેમ ભુલાયો ન હોવાને કારણે અને એકબીજા વગર રહી ન શકવાના કારણે છેલ્લો રસ્તો મોતનો હોવાનું વિચારી યુવક, યુવતીએ મોત વ્હાલુ કર્યું હોવાની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે.
ગત તા.૦૩ જુનના રોજ અંતેલા ગામે માળ ફળિયામાં રહેતાં મનહરભાઈ વાલસીંગભાઈ પટેલ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે આપવામાં આવેલ જાહેરાત મુજબ, પોતાને સંતાનમાં એક છોકરો અને બે છોકરીઓ છે જેમાં ૧૯ વર્ષીય મનીષાના લગ્ન ગઈ દિવાળીના આસપાસ ઉસરા ગામના એક યુવક સાથે સમાજના રિતી રિવાજ મુજબ કરવામાં આવ્યાં હતાં. ગત તા.૦૨ જુનના રોજ તેઓની દિકરી મનિષાબેન પોતાના પિયરમાં હતી તે સમયે રાત્રીના સમયે ઘરમાંથી એકલી બહાર નીકળી કાછલીયા ફળિયામાં આવેલ એક કુવામાં પડી ગઈ હોવાનું તેઓ માલુમ પડતાં અને આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ તાબડતોડ કુવા તરફ દોડી ગયાં હતાં અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ પહોંચી હતી. કુવામાંથી મૃતક મનીષાબેનની લાશ બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવી હતી.
જ્યારે સામાપક્ષેથી યુવકના પિતા સુબકસિંગ રામસીંગભાઈ પટેલ (રહે.અંતેલા, માળુ ફળિયું, દેવગઢ બારીઆ, જિ.દાહોદ) દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે આપવામાં આવે જાહેરાત પ્રમાણે, તેઓને સંતાનમાં બે છોકરા અને એક છોકરી છે જેમાં ૧૯ વર્ષીય જગદીશભાઈ પણ હતો. ગત તા.૦૩ જુનના રોજ સબુકસિંગ તથા તેમનો પરિવાર ઘરમાં જમી પરવારી ઉંઘી રહ્યો હતો તે સમયે ફળિયામાં રહેતાં કેટલાંક લોકો મોડી રાત્રે સુબકસિંગના ઘરે આવ્યાં હતાં અને મનીષાબેનની લાશ કુવામાંથી મળી આવી છે તો તમારો છોકરો ઘરે છે કે નહીં? તે જુઓ, તેમ પુછતાં સુબકસિંગ તથા તેમના પરિવારજનોએ ઘરમાં જગદીશભાઈની શોધખોળ આદરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો અને ત્યારે યુવતીએ જે કુવામાં આત્મહત્યા કરી હતી તે કુવા તરફ જગદીશને પણ શોધવા ગયાં હતાં અને તેજ કુવામાંથી જગદીશની પણ લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામી હતી.
સ્થાનીકો પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત યુવક અને યુવતી વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રેમસંબંધ હતો પરંતુ એકજ ગામના હોવાને કારણે લગ્ન શક્ય ન હતાં. આ પ્રેમી પંખીડાએ જે તે સમયે ભાગી પણ ગયાં હતાં અને તે સમયે બંન્ને પરિવારજનો દ્વારા આ પ્રેમી પંખીડાને પકડી લાવ્યાં હતાં અને યુવતીના લગ્ન તેના પરિવારજનો દ્વારા લીમખેડા તાલુકાના ઉસરા ગામે એક યુવક સાથે ગઈ દિવાળીના આસપાસ કરી દીધાં હતાં પરંતુ ત્યાર બાદ પણ યુવક, યુવતી વચ્ચે પ્રેમ સંબંધ યથાવત્ રહ્યો હતો અને એકબીજાથી અલગ થઈ જવાના દુઃખ સહન ન કરી શકવાને કારણે આ પગલું ઉઠાવ્યું હોવાનું પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, જે દિવસે યુવતીએ આત્મહત્યા કરી હતી તે દિવસે તેના પરિવારજનો દ્વારા યુવકના ઘરે પહોંચી જઈ ભારે ધિંગાણું પણ મચાવ્યું હતું અને તોડફોડ પણ કરી હતું પરંતુ બીજા દિવસે યુવકે પણ તેજ કુવામાં ઝંપલાવી પોતાનું જીવન પણ ટુંકાવી લેતાં પ્રેમી પંખીડાની આ આત્મહત્યાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

