સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ગ્રાંટમાંથી દાહોદને મળી આઇસીયુ ઓન વ્હિલ એમ્બ્યુલન્સ : સાંસદશ્રીએ એક એમ્બ્યુલન્સ ફતેપુરા સીએચસીને પણ ફાળવી, આઇસીયુ ઓન વ્હિલ ઝાયડ્સને ફાળવાઇ
કોરોના કાળમાં દર્દીઓની સવલતમાં વધારો થાય એવા ઉદ્દાત ભાવથી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે એક આઇસીયુ ઓન વ્હિલ્સ સહિત બે એમ્બ્યુલન્સ ફાળવી છે. આજે તેમણે આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી ભાભોરે સાંસદ સ્થાનિક વિકાસ નિધિમાંથી રૂ. ૫૦ લાખની ગ્રાંટ આ એમ્બ્યુલન્સની ખરીદી કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને ફાળવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ગ્રાંટમાંથી એક આઇસીયુ વ્હિલ્સ અને એવી જ અદ્યતન સુવિધા ધરાવતી અન્ય એક મળી કુલ બે એમ્બ્યુલન્સની ખરીદી કરી હતી. જેમાંથી એક એમ્બ્યુલન્સ ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલને તથા એક ફતેપુરા સીએચસીને ફાળવી છે.
સાંસદશ્રીએ આજે આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, ઝાયડ્સના સીઇઓ શ્રી સંજય કુમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.