દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ધિંગાણું : ચાર જણાને ગંભીર ઈજા : સામસામે પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૦૭
દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં પાર્ક કરેલ ગાડીને હટાવવા મામલે તેમજ પોલીસને દારૂની બાતમી આપવા મામલે બે પક્ષો વચ્ચે થયેલ છુટા હાથની મારામારીમાં ચાર જણાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગારખાયા વિસ્તારમાં સંગાડીયા ફળિયામાં રહેતાં કમલેશભાઈ સુરેશભાઈ સંગાડીએ નોંધાવેલ ફરિયામાં જણાવ્યાં અનુસાર, ગત તા.૦૬ જુનના રોજ પોતાના ફળિયામાં રહેતાં વજેસીંગભાઈ અપસીંગભાઈ સંગાડીયાને ગાડી ખસેડવા કહ્યું હતું ત્યારે વજેસીંગભાઈએ કહેલ કે, તારે ઉતાવળ છે, તેમ કહેતાં કમલેશભાઈએ કહેલ કે, મારે ઘરે જવું છે, તમારી ગાડી લઈ લો, તેમ કહેતાં વજેસીંગભાઈ એકદમ ઉશ્કેરાયો હતો અને બેફામ ગાળો બોલતો હતો. આ જાેઈ વજેસીંગભાઈની પાછળ પાછળ તૃષાર વજેસીંગ સંગાડીયા, શાંતાબેન વજેસીંગભાઈ સંગાડીયા અને યોગેશ ઉર્ફે અપસીંગ સંગાડીયા દોડી આવ્યાં હતાં અને વજેસીંગભાઈએ પોતાના હાથમાં પહેરી રાખેલ ચાંદીના કડા વડે કમલેશભાઈને માથામાં મારી મારી લોહીલુહાણ કરી નાંખ્યું હતું. વચ્ચે છોડવવા પડેલ રવિ ઉર્ફે રાજાને પણ માથાના ભાગે ચાંદીનું કડું મારી લોહી લુહાણ કરી નાખ્યું હતું તેમજ તમામે બંન્ને જણાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કમલેશભાઈ સુરેશભાઈ સંગાડીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સામાપક્ષેથી દાહોદના ગારખાયા, સંગાડીયા ફળિયામાં રહેતાં વજેસીંગભાઈ અપસીંગભાઈ સંગાડીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેમનાજ ફળિયામાં રહેતાં મહેશભાઈ બદીયાભાઈ સંગાડીયા, કનેશભાઈ બદીયાભાઈ સંગાડીયા, હરિશભાઈ બદીયાભાઈ સંગાડી અને રાજેશભાઈ મંગુભાઈ સંગાડીયા પૈકી મહેશભાઈએ વજેસીંગભાઈને ફોન કરી ઘરની બહાર બોલાવ્યો હતો અને તું પોલીસને દારૂની માહિતી આપે છે, તેમ કહી ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ચારેય જણાએ ભેગા મળી વજેસીંગભાઈને ગડદાપાટ્ટુનો માર મારી વજેસીંગભાઈનો છોકરો તૃષાર વચ્ચે છોડવવા પડતાં તેને પણ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
