દાહોદ જિલ્લાના વેપારીઓ-રિક્ષાચાલકોને સત્વરે વેક્સિન લઇ લેવા કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજની અપીલ : કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં વેપારી મંડળના તેમજ રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓ, અગ્રણી વેપારીઓ સાથે યોજાઇ બેઠક

દાહોદ તા. ૧૦
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં જિલ્લાના વેપારી મંડળોના પ્રમુખ, અગ્રણી વેપારીઓ તેમજ રિક્ષા એસોસિએશનના પ્રમુખ સાથે એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં કાર્યકારી કલેક્ટર શ્રી રાજે તમામ વેપારીઓ તેમજ રિક્ષાચાલકોને સમયસર વેક્સિન લઇ લેવા અપીલ કરી હતી અને આગેવાન વેપારીઓ તેમજ રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓને તેમણે જિલ્લામાં સો ટકા રસીકરણ થાય એ માટે સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું હતું.
કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજે આ પ્રસંગે જણાવ્યું કે, વેક્સિન એ કોરોના સામેનું સૌથી અસરકારક હથિયાર છે. જિલ્લામાં અત્યારે ૪૭ જેટલા કેન્દ્રો પર કોવીડ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. અત્યારે જયારે નિષ્ણાંતો દ્વારા ત્રીજી કોવીડ લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તેનાથી ડરવાની જગ્યાએ આપણે સૌએ સમયસર કોરોનાની વેક્સિન લઇ લેવી જોઇએ. સમગ્ર દાહોદ જિલ્લામાં સો ટકા રસીકરણ થાય એ નિર્ધાર સાથે આપણે આગળ વધવાનું છે.
તેમણે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કેસો શહેરી વિસ્તારોમાંથી આવ્યા હતા અને તેમાં પણ વેપારી વર્ગ તેનાથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો. ત્યારે સૌ વેપારીઓની એ નૈતિક ફરજ છે કે, તેઓ પોતે તો વેક્સિન લઇ લે જ. સાથે તેમની સાથે કામ કરતા નોકરીયાતો કે મજૂરો પણ વેક્સિન લઇ લે તેનું ધ્યાન રાખે. તેમજ તેમના સ્ટાફના પરિવારના લોકો પણ વેક્સિન લઇ લે તો કોરોનાની ત્રીજી લહેરમાં તેમની સંક્રમિત થવાની શકયતા નહીવત થઇ જશે. વેપારીઓએ તેમની દુકાને એવું બેનર પણ લગાવવું જોઇએ જેથી ગ્રાહકો વેક્સિન લેવા પ્રેરિત થાય.
તેમણે ઉમેર્યું કે, રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત છે ત્યારે તેમને પણ અપીલ કરીશ કે જિલ્લાના સૌ રિક્ષાચાલકો સત્વરે વેક્સિન લઇ લે. રિક્ષા એ મુસાફરીનું એ એક અગત્યનું સાધન છે અને સેકડો લોકો રોજેરોજ તેનો ઉપયોગ કરતા હોય રિક્ષાચાલક વેક્સિન લઇ લે એ હિતાવહ છે. આગેવાનોએ આ અંગે એક અભિયાનની જેમ કામ કરીને સૌ રિક્ષાચાલકો વેક્સિન લઇ લે તે માટે પ્રયાસ કરે તે જરૂરી છે.
વિવિધ વેપારી મંડળોના પ્રમુખ, અગ્રણી વેપારીઓ તેમજ રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ વેક્સિનેશન માટે સકારાત્મક કામગીરી કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બેઠકમાં ડેપ્યુટી કલેકટર શ્રી રાજેન્દ્ર ગામેતી, અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, ડો. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

