અમેરિકાના કોરોના એક્સપર્ટ ડો.એન્થની ફાઉચીનું મોટું નિવેદન : કોરોના વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાથી સંક્રમણનું જાેખમ વધી શકે
(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૧૨
અમેરિકાના કોરોના એક્સપર્ટ અને રાષ્ટ્રપતિના મેડિકલ એડવાઇઝર ડૉક્ટર એન્થની ફાઉચીએ કહ્યું કે, વધુ લોકોને વેક્સીન ન લાગી હોય તો ડેલ્ટા વેરિઅન્ટવાળા કોઇપણ દેશમાં ચિંતા થવી વ્યાજબી છે. તેમણે આ વાત એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહી છે. તેમણે કહ્યું કે, કોરોના વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાથી લોકોનું વાયરસના વેરિઅન્ટના સકંજામાં આવવાની સંભાવના વધી શકે છે. ડૉ.ફાઉચીએ અમેરિકામાં કોરોના વેક્સીન વચ્ચેના અંતરને લઇ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આ વાત કહી.
ઉલ્લેખનીય છે કે, ફાઇઝરની વેક્સીન માટે બે ડોઝ વચ્ચેનું અંતર ૩ અઠવાડિયા અને મોડર્નાની વેક્સીન વચ્ચેનું અંતર ૪ અઠવાડિયાનું છે. જાેકે, ડૉ. ફાઉચીએ કહ્યું કે, કોરોનાની વેક્સીન વચ્ચેનું અંતર એવી સ્થિતિમાં સારું છે જ્યારે કોઇ દેશ વેક્સીન પૂરી પાડવાને લઇ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય. ડૉક્ટર ફાઉચી અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડનના મેડિકલ સલાહકાર પણ છે.
જણાવી દઇએ કે, ગયા મહિને ભારતની મોદી સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ૬-૮ અઠવાડિયાથી વધારીને ૧૨-૧૬ અઠવાડિયાનું કર્યું હતું. આ બીજી વાર છે જ્યારે કોવિશીલ્ડના ડોઝમાં અંતર વધારવામાં આવ્યું છે. માર્ચમાં રાજ્યોના સારા પરિણામો માટે આ અંતરને ૨૮ દિવસથી વધારીને ૬ અઠવાડિયા કરવાનું કહેવામાં આવ્યું હતું.
ડૉ.ફાઉચીએ અમેરિકામાં કોરોના વાયરસની સ્થિતિને લઇ કહ્યું કે, કોરોના વાયરસ વેક્સીનેશનને લઇ અમેરિકા સારી કામગીરી કરી રહ્યું છે. અમારા ત્યાં લગભગ ૬૪ ટકા પુખ્ત વયના લોકોને ક્યાં તો વેક્સીનનો એક ડોઝ કે બંને ડોઝ લાગી ગયા છે.
ડેલ્ટા વેરિઅન્ટને લઇ તેમનું કહેવું છે કે, આ સ્ટ્રેન ભારતના ઘણાં રાજ્યોમાં જાેવા મળ્યો છે. જે ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એવામાં કોઇપણ દેશનું ચિંતિત થવું સ્વાભાવિક છે. જે દેશમાં આ વેરિઅન્ટ છે તેણે આનાથી છૂટકારો મેળવવા માટે ખાસ તૈયારી કરવાની જરૂર છે.