ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત : એક એસ.ટી.બસના ચાલકે મોટરસાઈકલ સવાર ત્રણ આશાસ્પદ યુવકોને અડફેટમાં લેતાં ત્રણેયના કમકમાટી ભર્યાં મોત

દાહોદ તા.૧૩

ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે હીટ એન્ડ રન કેસની ઘટના સામે આવી છે જેમાં એક એસ.ટી. બસના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર ત્રણ આશાસ્પદ યુવકોને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ત્રણ પૈકી એક યુવકનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ગોધરા રીફર કરવામાં આવ્યાં હતાં જ્યાં બે યુવકોના પણ મોત નીપજતાં એકસાથે ત્રણ આશાસ્પદ યુવકોના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ગત તા.૧૨મી જુનના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામેથી એક એસ.ટી.બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. આ દરમ્યાન આમલીમેનપુર ગામે નઢેલાવ ફળિયામાં રહેતાં મુકેશભાઈ દશરથભાઈ પલાસ, વિપુલભાઈ મનુભાઈ બારીયા અને પ્રવિણભાઈ છગનભાઈ પલાસ આ ત્રણેય યુવકો પોતાની એક મોટરસાઈકલ પર સવાર થઈ આમલીમેનપુર ગામેથીજ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એસ.ટી.બસના ચાલકે આ ત્રણેય યુવકોની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ત્રણેય યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મુકેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસ, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંસ સેવા તેમજ ત્રણેય યુવકોના પરિવારજનોને થતાં તમામ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ગંભીર ઈજાગ્રસ્ત વિપુલભાઈ અને પ્રવિણભાઈને તાત્કાલિક ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેઓનું પણ મોત નીપજતાં પરિવારના માથે આભ તુટી પડ્યું હતું. માર્ગ અકસ્માતમાં એક સાથે ત્રણેય યુવકોનો માતને પગલે પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યાં અનુસાર, માર્ગ અકસ્માત સર્જી એસ.ટી.બસનો ચાલક બસ સ્થળ પર મુકી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ સંબંધે આમલીમેનપુર ગામે નઢેલાવ ફળિયામાં રહેતાં ૫૩ વર્ષીય રેશમબેન દશરથભાઈ પલાસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી એસ.ટી. બસના ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: