ઉ.પ્રદેશના મુરાદાબાદમાં માતા, સગીર દીકરી સાથે ગેંગરેપ થતાં ખળભળાટ મચ્યો
(જી.એન.એસ.)લખનઉ,તા.૧૫
ઉત્તર પ્રદેશમાં બળાત્કારની કેટલીક ઘટનાઓએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. મુરાદાબાદ ખાતે એક માતા અને તેની સગીર દીકરી સાથે ગેંગરેપની ઘટના બની છે. બુલંદશહેરમાં ૧૮ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ થયું છે. તે સિવાય મુઝફ્ફરનગરના ગામમાં એક હેવાને ૧૫ વર્ષીય સગીરાને અપહરણ બાદ બળાત્કારનો ભોગ બનાવી હતી.
મુરાદાબાદના બિલારી કોતવાલી વિસ્તારમાંથી એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી છે. ૩ દબંગોએ એક મહિલા અને તેની ૧૧ વર્ષની સગીર દીકરીને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનાવી હતી. જાણવા મળ્યા મુજબ બદમાશોએ તમંચો બતાવીને મહિલાના પતિના હાથ-પગ બાંધી દીધા હતા અને તેની નજર સામે જ તેની પત્ની-દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે જ તેઓ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
પીડિત પરિવારે આ અંગે બિલારી પોલીસમાં ફરિયાદ કરી જેની અવગણના કરવામાં આવી હતી. આખરે પોલીસના ટોચના અધિકારીઓની મદદ માંગવામાં આવી હતી અને આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધાઈ શક્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને પીડિત પરિવાર બદમાશોના ડરથી ખૂબ જ ભયભીત છે.
બુલંદશહેરના ખુરજા નગર થાણા ક્ષેત્રમાં ૧૮ વર્ષીય યુવતી રાતના સમયે ઘરેથી બિસ્કિટ લેવા નીકળી તે સમયે એક યુવકે તેને બળજબરીથી ખેંચી લીધી હતી અને સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો. બાદમાં યુવકે તે યુવતીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી અને તે સમયે તેના ૨ મિત્રોએ ચોકીદારી કરી હતી. યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં પુરી દીધા છે.
મુઝફ્ફરનગરના સિખેડા થાણા ક્ષેત્રમાં પણ એક ૧૫ વર્ષીય સગીરા સાથે બળાત્કાર થયો હતો. તે જ્યારે તેની માતા સાથે જંગલમાં ચારો વાઢી રહી હતી તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગામના અબ્બૂ બકર નામના દબંગે તેના સાથે દુષ્કૃત્ય કર્યું હતું. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.