વડાપ્રધાન બનતાની સાથે જ નફ્તાલી બેનેટ આક્રમક મૂડમાં : ફરી યુદ્ધના ભણકારા! ગાઝા પટ્ટીમાં ઇઝરાઇલનો ભયંકર હુમલો : ઇઝરાયેલે કહ્યું- હમાસના આતંકવાદીઓ વિસ્ફોટક ભરેલા ફુગ્ગાઓ છોડી રહ્યા હતા


(જી.એન.એસ.)જેરુસલેમ,તા.૧૬
ગત મહિને ૧૧ દિવસ સુધી ચાલેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે આવ્યો હતો. પરંતુ ઈઝરાયલ અને ગાઝા ફરી એક વખત આમને-સામને આવી ગયા છે. જાણવા મળ્યા મુજબ ઈઝરાયલે ગાઝા પટ્ટી પર ફરી એક વખત હુમલો કરી દીધો છે. ઈઝરાયલે સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ફરી એક વખત ગાઝા પટ્ટી તરફ રોકેટ તાક્યા છે જેને ૨૧ મેના રોજ થયેલા સીઝફાયરના અંત તરીકે જાેઈ શકાય છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ હુમલો સીઝફાયર સમજૂતી બાદની સૌથી મોટી ઘટના છે.
આ હુમલા અંગે ઈઝરાયલે એવી સ્પષ્ટતા કરી છે કે, હમાસે તેમના તરફ આગના ગોળા તાક્યા તેના જવાબમાં આ હુમલો કરવામાં આવેલો. તેના થોડા સમય પહેલા તાજેતરમાં જ ઈઝરાયલી દક્ષિણપંથીઓએ પૂર્વ જેરૂસલેમ તરફ માર્ચ યોજી હતી જેમાં ખૂબ જ ઉત્તેજક નારા બોલાવવામાં આવ્યા હતા જેનાથી પેલેસ્ટાઈન નારાજ હતું.
ઉલ્લેખનીય છે કે, ૧૧ દિવસ સુધી ચાલેલું હમાસ અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ એક દશકામાં થયેલું ચોથું યુદ્ધ હતું. આ યુદ્ધમાં ઈઝરાયલ અને હમાસે સેંકડો હવાઈ હુમલા કર્યા હતા. યુદ્ધમાં ૨૫૦ કરતા પણ વધારે લોકો માર્યા ગયા હતા જેમાં મોટા ભાગના પેલેસ્ટાઈની નાગરિક હતા. ૨૧ મે, ૨૦૨૧ના રોજ એક સીઝફાયર સમજૂતી દ્વારા આ યુદ્ધનો અંત આવ્યો હતો. પરંતુ હવે આ સીઝફાયર સમજૂતીનો અંત જણાઈ રહ્યો છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના નિવેદન પ્રમાણે તેમના ફાઈટર વિમાનોએ ખાન યૂનિસ અને ગાઝા શહેરમાં હમાસ દ્વારા સંચાલિત થઈ રહેલા મિલિટ્રી અડ્ડાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયલ આર્મીના કહેવા પ્રમાણે તે જગ્યાઓએથી આતંકવાદી ગતિવિધિઓ સંચાલિત થઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: