સાત દિવસમાં હાજર થવા આદેશ : યૂપી પોલીસે ટિ્‌વટર ઇન્ડિયા કંપનીના એમડીને લીગલ નોટિસ ફટકારી


(જી.એન.એસ.)લખનઉ,તા.૧૮
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોનીમાં કેટલાક યુવાનો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધની મારપીટના વાઈરલ થયેલા વિડિયોના સંદર્ભમાં રાજ્યની પોલીસે ટિ્‌વટર ઈન્ડિયા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ મહેશ્વરીને કાનૂની નોટિસ મોકલી છે. મહેશ્વરીને જણાવાયું છે કે તેમણે આ નોટિસની તારીખથી સાત દિવસની અંદર લોની પોલીસ સ્ટેશનમાં હાજર થવું અને નિવેદન નોંધાવવું.
મારપીટનો તે વિડિયો નકલી હોવાનું માલૂમ પડ્યું છે અને સ્વયં પેલા મુસ્લિમ વૃદ્ધે પણ તેને નકારી કાઢ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસે પગલાં લેવાનું શરૂ કર્યું છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટિ્‌વટર પર આરોપ છે કે તે સમાજ-વિરોધી સંદેશાઓને વાઈરલ થવા દે છે. કેટલાક લોકોએ સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવવા માટે એક સાધન તરીકે ટિ્‌વટર હેન્ડલનો ઉપયોગ કર્યો છે. આ વિડિયો ટિ્‌વટર પર અપલોડ થયો હતો તે છતાં ટિ્‌વટર કમ્યુનિકેશન ઈન્ડિયા અને ટિ્‌વટર ઈન્કોર્પોરેશન (અમેરિકા)એ તેની સામે કોઈ પગલું ભર્યું નહોતું. તેમણે આ સમાજ-વિરોધી સંદેશને વાઈરલ થવા દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે નવા ઘડેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અનુસાર કમ્પ્લાયન્સ (આજ્ઞાપાલન) અધિકારીની નિમણૂક કરવામાં વિલંબ કરવાને કારણે ટિ્‌વટર કંપનીએ ભારતમાં ઈન્ટરમીડિયરી પ્લેટફોર્મ તરીકેનો દરજ્જો અને તે સાથે કાનૂની સુરક્ષા કવચ ગુમાવી દીધા છે. હવે કોઈ પણ વાંધાજનક મેસેજ-પોસ્ટ અપલોડ કરવામાં આવશે તો ટિ્‌વટર કંપની સામે ભારતમાંના કાયદા અનુસાર કાર્યવાહી કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: