દાહોદ તાલુકાના વાંદરીયા ગામના મોહનીયા ફળીયાની ઘટના
કોઈ કારણસર અજાણ્યા ઈસમે ગામના ર૦ વર્ષીય યુવાનને ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યો
દાહોદ, તા.૧૮
દાહોદ તાલુકાના વાંદરીયા ગામે મોહનીયા ફળીયામાં ધોળે દહાડે પોતાના મકાનના ઉપરના માળે ધાબાની ઓરડીના ભાગે ખાટલામાં સૂતેલા ર૦ વર્ષીય આશાસ્પદ યુવાનનું કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણસર ગળાના અંદરના શ્વાસનળીના ભાગે તથા છાતીમાં ડાબી બાજુના ફેફસાના અંદરના ભાગે ગંભીર ઈજાઓ કરી કાસળ કાઢી નાખ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના વાંદરીયા ગામના મોહનીયા ફળીયામાં રહેતા ૪૧ વર્ષીય રાજેશભાઈ બીલવાળ ગત તા.૧.૩.ર૦૧૯ના રોજ સવારે સાડા દશ વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધીની સમયગાળામાં પોતાના મકાનના ઉપરના માળે ધાબાની ઓરડીના ભાગે ખાટલો નાખી સુતો હતો તે દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણસર તેના ગળામાં અંદર શ્વાસનળીના ભાગે, તથા છાતીમાં ડાબી બાજુના ફેફસાના અંદરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો.
આ સંબંધે પ્રાથમિક તબક્કે દાહોદ તાલુકા પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમ્યાન આવેલા પીએમ રીપોર્ટમાં જણાવ્યા મુજબ મરણ જનારનું મોત ગળાના અંદરના ભાગે શ્વાસનળીમાં ઈજા થવાથી લોહી વહી જવાથી તેમજ છાતીમાં ડાબી બાજુની પાંસળી તૂટી જતા ફેફસાના અંદરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થયેલ હોવાની હકીકત બહાર આવતા મરણ જનાર અંકીતભાઈ બીલવાળના પિતા રાજેશભાઈ હીમસીંગભાઈ બીલવાળે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ ૩૦ર મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.