ઝાલોદ તાલુકાના ડુમકા ગામે એક યુવકે એક યુવતી સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી યુવતીને લાકડી વડે માથાના ભાગે માર મારતાં યુવતીને મોતને ઘાટ ઉતારી યુવક ફરાર
દાહોદ તા.20
ધાનપુર તાલુકાના ડુમકા ગામે એક ઈસમે એક યુવતી સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઇ જઇ યુવતીને માથાના ભાગે તથા મોઢાના ભાગે લાકડી મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દેતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો અને ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ધાનપુર તાલુકાના ડુમકા ગામે નીચવાસ ફળિયામાં રહેતા વિક્રમભાઈ ઉર્ફે લાલો નરસિંહ પસાયાએ ગત તારીખ 19 મી જુનના રોજ દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાળા ગામે રહેતી મીનાબેન સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કરી વિક્રમભાઈ ઉર્ફે લાલો એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે લાવેલ લાકડી વડે મીનાબેનના માથાના ભાગે ત્રણ – ચાર ફટકા માર્યા હતા જેને પગલે મીનાબેનને માથાના ભાગે લોહી લુહાણ થઇ ગયું હતું અને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજાવી વિક્રમભાઈ ઉર્ફે લાલો ફરાર થઈ ગયો હતો.
આ સંબંધે કોળીના પુવાળા ગામે રહેતા ગોવિંદભાઈ કાગાભાઈ ભાભોરે ધાનપુર પોલીસ મથકે વિક્રમભાઈ ઉર્ફે લાલો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.