રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં મોટી જાહેરાતો કરાઇ : જામનગરમાં રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે રિલાયન્સ, જિઓફોન નેકસ્ટની જાહેરાત : ૨જી ખત્મ, ૫જી તરફ રિલાયન્સની મીટ, જિઓ બાદ હવે ઇકો ફ્રેન્ડલી ઉર્જા ક્ષેત્રે ઉતરશે રિલાયન્સ, સમગ્ર દુનિયામાં ફેલાવશે બિઝનેસ
(જી.એન.એસ)મુંબઈ,તા.૨૪
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ આગામી દિવસોમાં રિલાયન્સ જિઓ અને ગૂગલની પાર્ટનરશિપનુ એલાન કર્યુ હતુ.
મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં જિઓ અને ગૂગલ દ્વારા નવો અને સસ્તો સ્માર્ટફોન જિઓ નેક્સટ લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન જિઓ તેમજ ગૂગલના ફિચર સાથે સજ્જ હશે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ અને જિઓએ સંયુક્ત રીતે ડેવલપ કરેલી છે. આ સ્માર્ટફોન દરેક માણસના ગજવાને પરવડે તે રીતે બનાવવામાં આવ્યો છે. તેની કિંમત સાવ ઓછી હશે અને ૧૦ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે ફોનને લોન્ચ કરવામાં આવશે.
આ ફોનને વિશેષ રીતે ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેના પર યુઝર્સ પ્લે સ્ટોર પરથી પણ એપ્સ ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનમાં સારી ક્વોલિટિનો કેમેરા પણ હશે અને નિયમિત રીતે એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, આ ફોન ભારતનો જ નહીં પણ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.
ઉલ્લેખનીય છે કે, ગૂગલ સાથે ગયા વર્ષે જ રિલાયન્સ જિઓએ પાર્ટનરશિપ કરી હતી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ હતુ કે, અમારી પાર્ટરનશિપનુ આગળનુ પગલુ એક નવા અને સસ્તા ફોન સાથે ભરવામાં આવ્યુ છે. આ ફોન ભારતને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. લાખો નવા યુઝર્સ માટે તે શક્યતાઓના નવા દરવાજા ખોલશે. તેનાથી એક અબજ કરતા વધારે ભારતીયોને ઈન્ટરનેટ સાથે જાેડવામાં મદદ મળશે. ભારતના ડિજિડલાઈઝેશનનો નવો યુગ તેનાથી શરૂ થશે.
મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, ફાઈવ જી સિસ્ટમ વિકસિત કરવા માટે તેમજ ફાઈવ જી ઈક્વિપમેન્ટ લોન્ચ કરવા માટે અમે વૈશ્વિક ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે. રિલાયન્સ જિઓ ડેટાના વપરાશના મામલે દુનિયાનુ બીજી નંબરનુ નેટવર્ક બની ગયુ છે. જિઓના યુઝર્સ દર મહિને ૬૩૦ કરોડ જીબી ડેટા વાપરે છે. જે ગયા વર્ષ કરતા ૪૫ ટકા વધારે છે.
જાેકે તેમણે હાલમાં ફોનની કિંમતનો ખુલાસો કર્યો ન હતો પણ કહ્યુ હતુ કે, તેની કિંમત સાવ ઓછી રાખવામાં આવશે. જિઓફોન નેક્સટ ગેમ ચેન્જર સાબિત થશે. હાલમાં જેઓ ટુજી મોબાઈલ વાપરી રહ્યા છે તેવા ૩૦ કરોડ લોકો માટે આ ફોન ઉપયોગી થશે.
રિલાયન્સ જામનગરમાં કુલ રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ સાથે ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટના ઉત્પાદન કરતો સોલાર એનર્જી પ્રોજેક્ટ સ્થાપશે. કંપની નવું ક્લિન એનર્જી વિઝન ધરાવતું હોવાની જાહેરાત કંપનીના સીએમડી મુકેશ અંબાણીએ ૪૪મી એજીએમમાં કરી હતી.
જામનગરમાં ઘીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ બનાવવામાં આવશે. કંપની હવે પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે ગ્રીન એનર્જી પર જાેર આપી રહી છે. તેના માટે રિલાયન્સે ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવ્યું છે. જેમાં દેશની ઘણી મોટી પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે. જામનગરમાં ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કરાયું છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, ૭૫ હજાર નોકરી આપી છે. રિલાયન્સ જિયોએ સમગ્ર વર્ષ દરમિયાન ૩.૭૯ કરોડ નવા ગ્રાહકોને જાેડ્યા છે અને તે ૪૨.૫ કરોડ ગ્રાહકોને સેવા આપે છે. મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં ૬.૮ ટકા હિસ્સો રહ્યો છે. તે દેશના ૨૨ સર્કલમાંથી ૧૯ સર્કલમાં રેવન્યુની રીતે લીડર છે. દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં યોગદાન સારુ રહ્યું છે.