ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી એક મકાનમાંથી પાંચ જુગારીઓ ઝડપાયાં : રોકડા રૂપીયા મળી કુલ રૂા.૧.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક મકાનમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતાં લીમડી પોલીસ સ્ટાફ સાથે મકાનમાં ઓચિંતો છાપો મારતાં મકાન માલિક સહિત કુલ પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડપી અને દાવ પરથી રોકડા રૂપીયા ૭૩,૩૧૦ અને મોબાઈલ ફોન તેમજ એક મોટરસાઈકલ મળી કુલ રૂા.૧,૧૧,૮૧૦ના મુદ્દામાલ સાથે પાંચેય જુગારીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ગતરોજ ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે લીમડી ગામે દાંડી રોડ ઉપર રહેતાં પ્રવિણભાઈ અમૃતભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસને બાતમી મળતાંની સાથે પોલીસ કાફલો પ્રવિણભાઈના રહેણાંક મકાન તરફ જઈ તેના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં મકાનમાં જુગાર રમી રહેલ જુગારીઓમાં ફફડાટ સાથે અફરા તફરી મચી ગઈ હતી પરંતુ પોલીસે મકાન માલિક સહિત પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૭૩,૩૧૦, ચાર મોબાઈલ ફોન કિંમત રૂા.૮૫૦૦ અને એક મોટરસાઈકલ કિંમત રૂા.૩૦,૦૦૦ એમ કુલ મળી કુલ રૂા.૧,૧૧,૮૧૦નો મુદ્દમાલ લીમડી પોલીસે કબજે કરી પાંચેય જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

