નબળી ગુણવત્તાના ઘીના ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ, દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦ – ૧૦ હજારનો દંડ : લીમખેડામાં નબળી ગુણવત્તાના ઘી વેચતા દુકાનદાર-સપ્લાયર-ઉત્પાદક સામે કડક કાર્યવાહી
દાહોદ તા.૩૦
દાહોદ તા.૩૦
લીમખેડામાં નબળી ગુણવત્તાનું ઘી વેચાણ કરતા દુકાનદાર, સપ્લાયર તેમજ ઉત્પાદકને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દુકાનદાર તેમજ સપ્લાયરને રૂ. ૧૦-૧૦ હજાર તેમજ ઉત્પાદકને ૧.૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, દાહોદના લીમખેડા તાલુકામાં આવેલી રામદેવ કિરાણા સ્ટોર પરથી દાહોદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફીસર શ્રી એન.આર. રાઠવાએ ‘સોરઠ ગાયનું ઘી - ૨૦૦ મીલી પેક બોટલનો નમુનો પૃથ્થકરણ કરવા ફુડ એનાલીસ્ટ વડોદરાને મોકલવામાં આવ્યો હતો. આ નમૂનો નબળી ગુણવત્તા તેમજ અખાદ્ય જણાઇ આવ્યો હોય નિવાસી અધિક કલેક્ટરશ્રીની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આવા અખાદ્ય પદાર્થના સંગ્રહ અને વેચાણ બદલ લીમખેડાની રામદેવ કિરાણાના માલિકને રૂ. ૧૦ હજાર, સપ્લાયર પેઢી જૈન ટ્રેડર્સને રૂ. ૧૦ હજાર, તેમજ સોરઠ ગાયનું ઘીના ઉત્પાદક પેઢીને રૂ. ૫૫ હજાર અને ઉત્પાદક પેઢીના નોમીનીને રૂ. ૫૫ હજાર એમ કુલ રૂ. ૧.૩૦ લાખનો દંડ નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેશ દવેએ ફટકાર્યો છે.

