દાહોદમાં રૂ. ૪૦૩ કરોડના ખર્ચથી ૩૮૧ ગામોને પાણી આપવાની યોજનાઓને એક સાથે મંજૂરી : પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના બે મુખ્ય ઇજનેરોએ ત્રણ દિવસ દાહોદમાં મુકામ કર્યા બાદ ધડાધડ યોજનાઓ તૈયાર કરાઇ : મુખ્યમંત્રીશ્રીના ૨૦૨૨ સુધીમાં તમામ ઘરોમાં નળ જોડાણના સંકલ્પને સાકાર કરવા કલેક્ટરશ્રીએ યોજનાઓને આપી મંજૂરી
રાજ્યના તમામ ઘરોને વર્ષ ૨૦૨૨ સુધીમાં પીવાનું શુદ્ધ પાણી આપવાના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંકલ્પને સાકાર કરવા માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લામાં એક સાથે ૩૮૧ ગામોની યોજનાની મંજૂરી આપી છે. પાણીપુરવઠા બોર્ડ અને વાસ્મોના બે મુખ્ય ઇજનેરોએ દાહોદમાં સતત ત્રણ દિવસ મુકામ નાખી રૂ. ૪૦૩ કરોડની આ યોજનાઓને આખરી આપી શકાયો છે. વિશેષ વાત તો એ છે કે, આ ૩૮૧ ગામો પૈકી ૧૮૯ ગામોમાં સોલાર પેનલ આધારિત વીજળીની બેકઅપ વ્યવસ્થા કરાશે.
દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા દાહોદ જિલ્લામાં હાલની સ્થિતિએ ચાલી રહી યોજનાની વિગતો જોઇએ તો જિલ્લામાં વર્તમાન સમયે ૭૨૮ ગામો પૈકી ૩૩૯ ગામોને નલ સે જલ યોજના હેઠળ આવરી લેતી પાણીની યોજનાની મંજૂરી આપવામાં આવી છે. જેની કિંમત રૂ. ૧૩૨ કરોડ જેટલી થવા જાય છે. તેમાં ૪,૦૯,૬૦૩ ઘરોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ૩૩૯ પૈકી ૨૩૩ વર્ક ઓર્ડર ઇસ્યુ થઇ ગયા છે. બાકીની યોજના પૂર્ણ થઇ ગઇ છે.
હવે બાકી રહેતા ગામોની યોજનાઓ સત્વરે પૂર્ણ થાય એ માટે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના મુખ્ય ઇજનેર શ્રી બી. ડી. રામચંદાણી તથા શ્રી એલ. કે. કોટાએ છેલ્લા ત્રણ દિવસથી દાહોદ ખાતે મુકામ કર્યો હતો. આ બન્ને મુખ્ય ઇજનેરોના રોકાણ દરમિયાન વોસ્મોના યુનિટ મેનેજર તથા પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશ પટેલે ૩૮૧ ગામોને નલ સે જલ યોજનામાં આવરી લેવાની યોજનાને આખરી ઓપ આપ્યો છે.
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની આજે બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે આ યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી હતી અને બાદમાં તેને મંજૂર કરી હતી. ૩૮૧ ગામોના ૨,૪૫,૦૮૦ ઘરોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પાણીના સ્થાનિક સ્ત્રોત ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ જૂથ યોજનામાંથી આ ગામોમાં ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવશે. આ ઉપરાંત સમિતિ દ્વારા ૧૬ ગામોની રિવાઇઝ્ડ યોજનાને પણ મંજૂરી આપી છે.
અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે, ૩૮૧ ગામોની પાણીની યોજનાની એક સાથે મંજૂરીની બાબત દાહોદ માટે વિક્રમી બાબત છે. આ ઉપરાંત નલ સે જલ યોજનાની મંજૂરીની બાબતમાં ૯૯ ટકા કામગીરી પૂરી થઇ ગઇ છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી. બી. બલાત ઉપરાંત પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર શ્રી રશ્મિકાંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.