સંકટ : રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના ડાકલા, ફ્રાન્સ તપાસ કરશે : ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદ અને પૂર્વ નાણામંત્રીની પણ પૂછપરછ કરવામાં આવશે

ફ્રાન્સ સરકારે તપાસ માટે જ્જની નિયુક્તિ કરી, ભ્રષ્ટાચાર – પક્ષપાતના આરોપોની તપાસ થશે

ભારત અને ફ્રાન્સ વચ્ચે ૫૯,૦૦૦ કરોડનો ૩૬ રાફેલ લડાકુ વિમાનનો સોદો થયો છે

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી/પેરિસ,તા.૩
રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચ (પીએનએફ)ના કહેવા પ્રમાણે આ ડીલને લઈને લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરવામાં આવશે.
ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. ૨૦૧૮ના વર્ષમાં પણ શેરપાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પીએનએફ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. રાફેલ ફાઈટર જેટની ડીલ ૭.૮ બિલિયન યૂરોની હતી.
મીડિયાપાર્ટના કહેવા પ્રમાણે ૧૪ જૂનના રોજ એક મેજિસ્ટ્રેટ દ્વારા કેસની અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ જે રાફેલ ડીલ પર હસ્તાક્ષર સમયે પદ પર હતા અને વર્તમાન ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોન જે તે સમયે નાણા મંત્રી હતા તેમના કામકાજને લઈને પણ સવાલ કરવામાં આવશે. તત્કાલીન રક્ષા મંત્રી અને હવે ફ્રાંસના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિયાન સાથે સંકળાયેલી વાતને લઈને પણ પુછપરછ થઈ શકે છે.
હાલ ડસૉલ્ટ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. અગાઉ કંપનીએ ઈંડો-ફ્રેંચ ડીલમાં ગોલમાલ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે સત્તાવાર સંગઠનો દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવે છે. ભારત સાથેની ૩૬ રાફેલની ડીલમાં કોઈ ગોલમાલ નથી થઈ.
વાસ્તવિક ડીલમાં હિંદુસ્તાન એરરોનોટિક્સ લિમિટેડ (એતએએલ) જાે કે બાદમાં બન્ને પક્ષોની વચ્ચે વાતચીત તુટી ગઈ હતી. બાદમાં બન્ને દેશોની વચ્ચે ૨૦૧૬માં ડીલ સાઈન કરવામાં આવી હતી. જે અંતર્ગત ૩૬ રાફેલ વિમાન ૭.૮ બિલિયન યુરોના ભાવમાં નક્કી કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ થોડા મહિના પહેલાં દાવો કર્યો હતો કે ભારત સરકાર અને દસો એવિએશન (રાફેલ બનાવનાર ફ્રેન્ચ કંપની) વચ્ચે રાફેલ ડીલમાં ૨૧,૦૭૫ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમના આરોપ લગાવ્યાના થોડા સમય પછી જ કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે લખ્યું હતું, ‘પ્રિય વિદ્યાર્થીઓ, વડાપ્રધાન કહે છે કે આપણે દરેક સવાલનો જવાબ ભય અને ગભરામણ વગર આપવો જાેઈએ. તમે તેમને કહો કે મારા ૩ સવાલના જવાબ કોઈપણ ભય અને ગભરાટ વગર આપે.’ ત્યાર પછી તેમણે વડાપ્રધાનને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: