નવો ખતરો : યુકેમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યા ૫૦ હજારને પાર


(જી.એન.એસ.)લંડન,તા.૩
ગયા સપ્તાહની સરખામણીમાં યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ૪૬ ટકા વધારો નોંધાયો છે. આ સાથે જ યૂકેમાં કુલ ૫૦,૮૨૪ કેસો નોંધાયા હોવાનું ઓરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. જાેકે, કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધી નથી તેથી આ ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ સામે કોરોનાની રસીઓ અસરકારક હોવાનો સંકેત મળી રહ્યો છે.
ડેલ્ટા બી૧.૬૧૭.૨ વેરિઅન્ટના ૫૦,૮૨૪ કેસમાંથી ૪૨ કેસ ડેલ્ટા એવાય.૧ અને મ્યુટેશન કે૪૧૭એનના જણાયા છે. નવા વેરિઅન્ટના આ ૪૨ કેસોે રસી પ્રતિકારક હોવાનો ડર છે. દરમ્યાન કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે યુએઇ દ્વારા તેના નાગરિકો પર ભારત-પાકિસ્તાન સહિત ૧૪ દેશોમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
યુએઇના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુએઇના નાગરિકો પર ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેટનામ, નામિબિયા, ઝાંબિયા, કોંગો, યુગાન્ડા, સિયેરાલ્યોન, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરિયાનો પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બીજી તરફ સૌથી વધારે રસીકરણ કરનારા દેશ સેશલ્સમાં મે મહિનામાં કોરોનાનો ચેપ ફરી પ્રસરવા માંડયો હતો. જે ડેલ્ટા વેરિઅન્ટને કારણે ઘટવાના કોઇ સંકેત જણાતા નથી. તાજેતરમાં કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારા છ જણાના કોરોનાનો ચેપ લાગવાને કારણે મોત થયા હોવાનું નોંધાયું છે. આ છમાંથી પાંચ જણે ભારતીય બનાવટની કોવિશિલ્ડ અને એક જણે સાઇનોફાર્મ રસી લીધેલી હતી.
બીજી તરફ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ દાવો કર્યો હતો કે તેની કોરોના રસી ડેલ્ટા વેરિએન્ટ સામે આઠ મહિના પછી પણ અસરકારક જણાઇ છે. કંપનીએ ડેલ્ટા વેરિઅન્ટ સામે તેમની રસીની અસરકારકતા ચકાસવા માટે હાથ ધરેલા બે અભ્યાસોના પરિણામો જાહેર કરતાં આમ જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!