ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ‘મારૂ ગામનું બાળક, કોરોનામુક્ત બાળક’ ના ઉદ્દેશ સાથે જિલ્લા પંચાયત ખાતે વર્કશોપ યોજાયો


રિપોર્ટર : ગગન સોની,લીમડી

દાહોદ તા. ૫

કોરોના સંક્રમણ બાળકોમાં અટકાવવા અને સંભવિત ત્રીજી લહેરમાં બાળકો કોવિડના શિકાર ના થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મારા ગામનું બાળક, કોરોનામુક્ત બાળક ઉદ્દેશ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન સુ શ્રી જાગૃતિબેન પંડ્યાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દરેક બાળક સુધી પહોંચીને આપણે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવાનું છે. બાળકની યોગ્ય કાળજી લઇ પૂરતું આહાર આપી અને વખતો વખતના સરકારશ્રીના માર્ગદર્શન મુજબ જે સૂચનો અને માર્ગદર્શિકા હોય તેનું પાલન કરી બાળકોને સંરક્ષણ પુરૂં પાડવું ખૂબ જ જરૂરી છે.
જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલ વાઘેલાએ જણાવ્યું કે, બાળકોમાં સંક્રમણ અટકાવવા માટે સમગ્ર જિલ્લાની ટીમ ખાસ કરીને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને પદાધિકારી આગળ આવી બાળકોને આ મહામારીથી બચાવવા અભિયાન સ્વરૂપે કામ કરવું જોઇએ. લોકોમાં કોરોના સંદર્ભે તમામ સાવચેતીઓનું પાલન કરવા જનજાગૃતિ લાવવા કામ કરવું જોઇએ.
કલેકટર શ્રી ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત આવરી લઇ આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ બાળકોના સ્વાસ્થ્યની જાળવણી અને કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જે માટે વહીવટી તંત્રે તમામ જરૂરી પગલાઓ લીધા છે.
જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારે જણાવ્યું કે, કોરોનાથી બચવા વેક્સિનની મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે. રસીકરણ ના માધ્યમથી આપણે આપણી જાતને કોરોના સંક્રમણથી બચાવી શકીએ છીએ.
બાળ આયોગના પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી સુશ્રી શતાબ્દી પાંડે દ્વારા કાર્યક્રમનો ઉદ્દેશ અને બાળકોમાં સંક્રમણને કેવી રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી.
બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્ર સોનીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી. ખાટા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ તાવિયાડ તેમજ લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી એ.જે. કુરેશી ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: