કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ – ડિઝલ અને રાફેલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
દેશમાં અત્યારે રાફેલ ફાઇટર જેટ્સનો મુદ્દો ચર્ચામાં છે. રાફેલ સોદામાં ગરબડ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર વિરોધી પાર્ટીઓ પ્રહાર કરી રહી છે. કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી રાફેલ ડીલના મુદ્દા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મંગળવાર સવારે એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલની સાથે સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના મુદ્દે પણ સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કેટલીક પંક્તિઓમાં કોયડો નાંખ્યો છે જેમાં લોકોને ખાલી જગ્યા ભરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ‘મિત્રોવાલા રાફેલ હૈ, ટેક્સ વસૂલી-મહંગા તેલ હૈ, પીએસયુ-પીએસબી કી અંધી સેલ હૈ, સવાલ કરો તો જેલ હૈ, મોદી સરકાર__ હૈ.’ કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. રાફેલ ડીલથી જાેડાયેલો વિવાદ હોય કે પછી સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ, રાહુલ તરફથી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ફ્રાન્સમાં રાફેલ ડીલમાં થયેલી ગરબડની તપાસ શરૂ થવાના સમાચાર આવ્યા છે. ત્યારબાદ ભારતમાં પણ આ ડીલને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધી દ્વારા લોકસભા ચૂંટણીથી પહેલા પણ રાફેલમાં ગરબડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં જ એક ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. તેમણે ‘ચોર કી દાઢી’ લખીને કેન્દ્ર સરકારને ઘેરી હતી.

