દાહોદમાં ધોરણ ૧૦ અને ૧૨ની રીપીટર્સની પરીક્ષામાં ૧૬૩૮૦ છાત્રો નોંધાયા

દાહોદ તા.૦૮

ધોરણ ૧૦ ઉપરાંત ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની રીપીટર્સ માટે આગામી તા. ૧૫થી શરૂ થનારી પરીક્ષાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ બન્ને ધોરણની પરીક્ષામાં કુલ મળી ૧૬૩૮૦ છાત્રો નોંધાયા છે.
જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલ દવેએ જણાવ્યું છે ધોરણ ૧૦ની પરીક્ષામાં દાહોદ ઝોનમાં ૧૦ કેન્દ્રોની ૪૧ બિલ્ડિંગમાં ૩૬૩ બ્લોકમાં ૭૨૬૦ પરીક્ષાર્થીઓ તથા લીમખેડા ઝોનમાં આઠ કેન્દ્રોના ૨૮ બિલ્ડિંગમાં ૨૪૦ બ્લોકમાં ૪૮૦૦ છાત્રો મળી બન્ને ઝોનમાં ૧૨૦૬૦ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
જ્યારે, ધોરણ ૧૨ના બન્ને પ્રવાહની પરીક્ષા માત્ર દાહોદ ખાતે જ લેવામાં આવશે. સામાન્ય પ્રવાહમાં ૩૪૮૦ તથા વિજ્ઞાન પ્રવાહમાં ૮૪૦ છાત્રો પરીક્ષા આપવા બેસશે. આ માટે બે કેન્દ્રોની ૨૩ બિલ્ડિંગમાં ૨૧૫ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
 છાત્રોને એવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે, ફરજીયાતપણે માસ્ક પહેરીને જ પરીક્ષામા ઉપસ્થિત થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રના મુખ્ય દરવાજા પાસે પરીક્ષાર્થીઓ તથા તેમના વાલીઓને બિનજરૂરી ભીડ ન કરતા, પરસ્પર છ ફૂટનુ અંતર જાળવવાનું રહેશે.  બિનજરૂરી રીતે દીવાલો, રેલીંગ, દાદર જેવી ચીજવસ્તુઓને અડકવાથી દુર રહેવું પડશે. પરીક્ષા સ્થળ, મેદાન, લોબી વિગેરેમા ટોળા સ્વરૂપે એકત્ર ન થયું. પરીક્ષા બાદ શિસ્તબદ્ધ રીતે પરીક્ષા સ્થળ છોડવા, અને પરીક્ષાર્થીઓ પારદર્શક પાણીની બોટલ સાથે પરીક્ષા ખંડમા પ્રવેશે તે બાબતે કાળજી લેવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: