ઝાલોદ તાલુકાની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાઇ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ, તા. ૯
ઝાલોદ તાલુકાની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં અહીંની સાયન્સ કોલેજ ખાતે યોજાઇ હતી. જેમાં છેલ્લા સાત વર્ષમાં તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલા કામો અને ચાલુ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહી જિલ્લા-તાલુકા વચ્ચે યોગ્ય સંકલન તેમજ વિવિધ યોજનાઓની પ્રગતિ અંગેની સમીક્ષામાં જોડાયા હતા.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વિવિધ વિકાસ કામો માટે ઝાલોદ તાલુકાને ૭૨.૬૫ કરોડ રૂ. ફાળવવામાં આવે છે. ત્યારે મોટા ભાગની યોજનાઓનું અમલીકરણ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવતું હોય તેમના ઉપર મહત્વની જવાબદારી હોય છે. ગામના સરપંચ અને તલાટીએ ખૂબ તકેદારીને વિવિધ યોજનાઓના લાભ સામાન્ય જનતા સુધી પહોંચતા કરવાના છે. આજની બેઠકમાં વિવિધ યોજનાઓના લાભો લોકો સુધી અસરકારક રીતે પહોંચે એ માટે તાલુકા કક્ષાની મંજૂરી, આંતરિક વહીવટી મંજૂરી, જિલ્લા-તાલુકા વિભાગના અધિકારીઓના સંકલન વગેરે પાયાની બાબતોનું નિરાકરણ લાવવાનું છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે ઉપસ્થિત તલાટી-સરપંચોને યોજનાઓ લાગુ કરવામાં પડતી મૂશ્કેલીઓને દૂર કરવા સમજ આપી હતી. આ ઉપરાંત તાલુકાના શિક્ષકોને ફળીયા શિક્ષણ સરળતાથી કરી શકે એ માટે ૩ ડીશ અને ટીવી સેટ આપવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, પ્રાયોજના વહીવટદારશ્રી બી.ડી. નીનામા, જિલ્લા આયોજન અધિકારી શ્રી કે. એસ. ગેલાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાત, ડેપ્યુટી કલેકટર શ્રી રાજેન્દ્ર ગામેતી સહિતના અધિકારીશ્રીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયા,ઝાલોદ તાલુકાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.