મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નેમાવર ગામમાં આદિવાસી પરિવારની મહિલા પર બળાત્કાર ગુજારી તેઓની કરપીણ હત્યાના વિરોધમાં દાહોદ આદિવાસી સમાજમાં આક્રોશ : પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત
રિપોર્ટર : યાસીન પટેલ
દાહોદ તા.9
મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જીલ્લાના નેમાવર ખાતે આદિવાસી સમાજની મહિલાઓ ઉપર બળાત્કાર કરી તેઓની લાશને ઉંડા ખાડામાં દફનાવી દેવાની ઘટના બાદ સમગ્ર દેશભરમાં આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે ત્યારે આ સંબંધે દાહોદ જીલ્લા આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઓ સામે રોષ ઠાલવ્યો હતો.
મધ્ય પ્રદેશ રાજ્યના દેવાસ જીલ્લાના નેમાવર વિસ્તારમાં આદિવાસી સમાજની મહિલાઓ ઉપર બળાત્કાર કરી આરોપીઓ દ્વારા નિર્દયતા પૂર્વક તમામ પરિવારની હત્યા કરી જેસીબીની મદદથી ઊંડો ખાડો ખોદી પરિવારના સદસ્યોની લાશને દફનાવી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર મધ્ય પ્રદેશ સહિત દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો અને આરોપીઓ પ્રત્યે આક્રોશ ફેલાયો છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના ભાઈ – બહેનો દ્વારા દાહોદ શહેરમાં આ ઘટનાના વિરોધમાં ભવ્ય રેલી યોજવામાં આવી હતી અને આ મામલે એક આવેદનપત્ર દાહોદના પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યા અનુસાર, આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમજ તેઓને તાત્કાલિક ફાંસીની સજા કરવામાં આવે તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરી આ કેસ સંબંધિત સંબંધી નિર્ણય કરી આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ત્વરિત નિર્ણય લઇ આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.