ટૂંકા રૂટ ઉપર નીકળનારી રથયાત્રા કોઇ સ્થળે વિરામ કર્યા વિના મહત્તમ બે કલાકમાં પૂર્ણ થાય એવું આયોજન ગોઠવતા એસપી શ્રી હિતેશ જોયસર : કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને રૂટ ઉપર સંચારબંધી, ભાવિકો ઘરમાં રહીને દર્શન કરે તેવી જિલ્લા પોલીસ તંત્રની નાગરિકોને અપીલ : દાહોદ જિલ્લામાં જન્નાથજીની ચાર નગરચર્યા, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે
આગામી તા. ૧૨મીના અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની દાહોદ નગર સહિત જિલ્લામાં ચાર સ્થળે થનારી નગરચર્યાને લઇને પોલીસ દ્વારા સઘન બંદોસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને રાખીને અષાઢી બીજની રથયાત્રા તકેદારી સાથે નીકળે એ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે કેટલીક માર્ગદર્શક બાબતો જણાવી છે.
એક મુલાકાતમાં શ્રી જોયસરે કહ્યું કે, દાહોદ નગર ઉપરાંત લીમખેડા, ઝાલોદ અને લીમડીમાં ભગવાન શ્રી જગન્નાગજીની રથયાત્રા ભાવિકો દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ ચારેય નગરયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઇ એ માટે નાયબ પોલીસ અધિકક્ષ તથા પ્રાંત અધિકારીઓ દ્વારા આયોજકો સાથે બેઠક યોજી લેવામાં આવી છે. રાજ્ય સરકાર ઉપરાંત સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા સંદર્ભે જાહેરનામાન પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એના અનુપાલન સાથે રથયાત્રા નીકળે એ માટે દાહોદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાની ચારેય રથયાત્રા ટૂંકા રૂટમાં નીકળનાર છે. જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળે એ વિસ્તારમાં સંચારબંધી અમલમાં બનશે. એટલે ભાવિકો પોતાના ઘરમાં જ રહી ભગવાન શ્રી જગન્નાજીના દર્શન અને ભક્તિભાવની અનુભૂતિ કરે એ જરૂરી છે. દાહોદ જિલ્લા પોલીસને હરહંમેશ નાગરિકોનો સહયોગ મળતો રહ્યો છે. આ રથયાત્રામાં પણ નાગરિકોનો સહકાર મળે તે અપેક્ષિત છે. નાગરિકોએ પણ એ વાત ધ્યાને રાખવી જોઇએ કે કોરોના હજુ સુધી ગયો નથી.
રથયાત્રાનો પરંપરાગત રૂટ એ રીતે ગોઠવવામાં આવ્યો છે કે સમગ્ર યાત્રા દોઢથી બે કલાકમાં પૂર્ણ થઇ જશે. રથનું વહન કરવા માટે મહત્તમ ૬૦ ખલાસીઓ ભાગ લઇ શકશે. ઉપરાંત યાત્રામાં પાંચ કરતા વધુ વાહનો જોડવાના નથી. પહિંદવિધિ થયા બાદ યાત્રા શરૂ થયા બાદ કોઇ સ્થળે વિરામ નહીં કરે. પ્રસાદનું વિતરણ પણ નહીં કરવામાં આવે.આયોજકો તરફથી જે ભાવિકો રથયાત્રામાં જોડવાના છે, એમનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ તથા કોરોના સામેની રસીનો ડોઝ લીધો હોવો ફરજિયાત છે.
એસપી શ્રી જોયસરે ઉમેર્યું કે, રથયાત્રામાં કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેવી સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઇ પણ પ્રકારના નિયમોના ભંગ બદલ કસૂરવાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.