ધાનપુરના ખજૂરીના મહિલા સાથે ઘૃણાસ્પદ બનાવમાં ૧૪ આરોપીઓ ઝબ્બે : પોલીસની સક્રીયતાના કારણે પીડિતાએ ફરિયાદ નોંધાવતાની સાથે સઘન કોમ્બિંગ કરી આરોપીને પકડી લેવાયા


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બનાવો બનતા રોકવા માટે હ્યુમન બિહેવિઅરલ ચેન્જના લાંબાગાળાના પગલાંઓ પણ જાહેર

દાહોદ, ગરબાડા અને ધાનપુર તાલુકાના બોર્ડર એરિયાના ગામોમાં ગ્રામ સુરક્ષા સમિતિ બનાવી અભિયાન ચલાવશે

દાહોદ તા.૧૪

ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે નારી ગૌરવહનનના બનેલા બનાવને સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે આજ બુધવાર સુધીમાં ૧૯ પૈકી ૧૪ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બનાવો બનતા રોકવા માટે હ્યુમન બિહેવિયરલ ચેન્જના લાંબાગાળાના પગલાંઓ પણ જાહેર કરવામાં આવ્યા છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર દ્વારા એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, ખજૂરી ગામના ઘૃણાસ્પદ કિસ્સામાં પોલીસ દ્વારા તુરંત કામગીરી કરવામાં આવી છે અને પોલીસને જાણ થતાંની સાથે તા. ૧૨ના રોજ સાંજે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી.
આ માટે પીડિત પરિણીતાનું પ્રથમ પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની ફરિયાદના આધારે પોલીસ દ્વારા જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના જવાનોની મદદ લઇને કોમ્બિંગ કરી આરોપીઓને ઝબ્બે કરી લેવામાં આવ્યા હતા. પીડિતાને પણ હાલમાં રક્ષણ આપવામાં આવ્યું છે. આ બન્ને અધિકારીઓને કડક શબ્દોમાં એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે ખોટી માન્યતા અને અંધવિશ્વાસના નામે મહિલાઓ સાથે તેમના આત્મગૌરવને હાની પહોંચે એવું કોઇ પણ કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે.
નારીજગતના આત્મસન્માનને ઠેસ પહોંચે એવા આ ઘટનાના વિડીઓ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ચઢાવનારા એકાઉન્ટ સામે પણ રિપોર્ટ કરવાની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ ઘટના બાદ મહિલા અને બાળ સુરક્ષાની કચેરીની ટીમ દ્વારા પીડિતાની મુલાકાત લઇને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને તેમને નારી સંરક્ષણ ગૃહમાં સમાવવાની વાત મૂકવામાં આવી છે. જેના પ્રત્યુત્તરમાં પીડિતાએ પોતાના પરિવાર સાથે રહેવાની ઇચ્છા દર્શાવી છે. એ બાબતને ધ્યાને રાખીને પોલીસ દ્વારા હાલમાં તેમને રક્ષણ પણ પૂરૂ પાડવામાં આવી છે. આ ઉપરાંત, મહિલા અને બાળ સંરક્ષણ કચેરી દ્વારા તેમની સરકારી યોજનામાં સમાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ડો. ગોસાવી તથા શ્રી જોયસરે ઉમેર્યું કે, આવા બનાવો ભવિષ્યમાં ના બને એ માટે લાંબાગાળાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્રના ભૂતકાળના અનુભવોને આધારે એવું ફલિત થાય છે કે, દાહોદ, ગરબડા અને ધાનપુર તાલુકામાં આંતરરાજ્ય સીમા ઉપર આવેલા ગામોમાં ખોટી માન્યતાઓનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તેની સામે સમાજને જાગૃત કરવા માટે એક જનજાગૃતિ અભિયાન આગામી દિવસોમાં ચલાવવામાં આવશે.
વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સુરક્ષા સમિતિની રચના કરવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમિતિમાં ગામના સરપંચ, તલાટી મંત્રી, આશા તથા આંગણવાડી કાર્યકર, શિક્ષક, સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને એક પોલીસ કર્મીનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના નેજા હેઠળ ઉક્ત ગામોમાં મહિલાઓના અધિકારો અને તેમને મળતા કાયદાકીય સંરક્ષણ ઉપરાંત અંધવિશ્વાસ નાબૂદી માટેના જાગૃતિના કાર્યક્રમ કરશે. આ સમિતિ દ્વારા બિહેવિયરલ ચેન્જના પ્રયાસો કરવામાં આવશે. મહિલાઓ કોઇ પણ આપત્તિના સમયે ૧૮૧ અભયમ હેલ્પ લાઇન, ૧૦૦ નંબર ડાયલ કરીને મદદ મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: