દાહોદ જિલ્લામાં એસ.ટી.બસના ચાલકો બેફામ બન્યાં : જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ એસ.ટી.બસના ચાલકે એક મોટરસાઈકલ અને એક ઓટો રીક્ષાને અડફેટમાં લેતાં બેને ઈજા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.21
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ એસટી બસના ચાલકોએ પોતાના કબજાની એસ.ટી.બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બંને અલગ અલગ બનાવ પૈકી એક બનાવમાં મોટરસાયકલ ચાલકને તેમજ બીજા બનાવમાં ઓટો રીક્ષાના ચાલકને અડફેટમાં લેતાં બે વ્યક્તિઓને શરીરે ઇજાઓ થયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 20મી જુલાઇના રોજ એક એસટી બસના ચાલકે પોતાના કબજાની એસટી બસ લઈ પાલ્લી ગામે સર્કિટ હાઉસ સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન લીમખેડા તાલુકાના વિસલંગા ગામે નિશાળ ફળિયામાં રહેતા છત્રસિંહભાઈ વરસીંગભાઇ ભૂહાની મોટરસાઈકલને અડફેટમાં લેતા છત્રસિંહભાઈ મોટરસાયકલ પર ખેતી જમીન પર ફંગોળાયા હતા જેને પગલે તેઓને હાથે – પગે તેમજ શરીરને ઓછીવત્તી ઈજાઓ પહોંચતા આ સંબંધે છત્રસિંહ ભાઈનાપુત્ર વિજયભાઈ છત્રસિંહભાઈ ભૂહાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ ૨૦મી જુલાઈના રોજ લીમડી નગરના ચાકલીયા ચોકડી નજીક ઝાલોદ રોડ ઉપર એક એસટી બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઇ રહેલા એક ફોટો રિક્ષાને અડફેટમાં લીધી હતી જેને પગલે ઓટો રિક્ષાના ચાલક પપ્પુભાઈ રણછોડભાઈ ડીન્ડોળને શરીર તેમજ માથાના ભાગે ઓછીવત્તી ઈજાઓ પહોંચાડી બસનો ચાલક પોતાના કબજાની બસ પર મુકી નાસી ગયો હતો. આ સંબંધે સંજેલી તાલુકાના ઇટાડી ગામે રહેતા વિપુલભાઈ રણછોડભાઈ ડીન્ડોળએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.