દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત : બે વ્યક્તિઓને ઈજા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ બે માર્ગ અકસ્માતોના બનાવોમાં બે જણાના મોત નીપજ્યાનું જ્યારે બે જણાની શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ભોરવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૯મી જુલાઈના રોજ એક રેકડાના ચાલકે પોતાના કબજાનો રેકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. આ દરમ્યાન ભોરવા ગામે ટેકરી ચડતા સમયે રેકડાના ચાલકે પોતાના કબજાના રેકડાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રેકડો પલ્ટી ખાઈ ગયો હતો અને જેને પગલે અંદર સવાર રાકેશભાઈ ઈશ્વરભાઈ બારીયા (રહે. દુધામલી, નીચવાસ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) નાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન રાકેશભાઈનું મોત નીપજતાં આ સંબંધે દુધામલી ગામે નીચવાસ ફળિયામાં રહેતાં સુશીલાબેન રાકેશભાઈ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકામાંથી પસાર થતો ઝાલોદ લીમડી નેશનલ હાઈવે પર બનવા પામ્યો હતો જેમાં ગત તા. 23મી જુલાઈના રોજ બનવા પામ્યો હતો જેમાં એક મારૂતી કારના ચાલકે પોતાના કબજાની મારુતિ કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક અને રેકડાને અડફેટમાં લીધો હતો જેને પગલે રેકડામાં સવાર ૫૦ વર્ષીય બાબુભાઈ તેરસીંગભાઈ મેડા (રહે.સારમારીયા, રામપુરા ફળિયું, તાલુકો ઝાલોદ,જિલ્લો દાહોદ) ને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું ત્યારે રેકડામાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ શરીરે ઇજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે સારમારીયા ગામે રામપુરા ફળિયામાં રહેતા દલસીંગભાઈ સામાભાઇ કિશોરીએ ઝાલોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.