રાહુલ ગાંધીએ કહ્યું મને યૂપીની કેરી પસંદ નથી, યોગીએ કહ્યું, તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી/લખનઉ,તા.૨૪
પેગાસસ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવા જતી વખતે રાહુલ ગાંધીએ કેરીને લઈને જે નિવેદન આપ્યું હતું તેના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યો છે. યોગીજીએ રાહુલ ગાંધીના કેરીવાળા વીડિયોને ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, તમારો ટેસ્ટ વિભાજનકારી છે. પત્રકારોએ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીને કેરી અંગે સવાલ કર્યો હતો જેના જવાબમાં તેમણે પોતાને યુપીની કેરી પસંદ ન હોવાનું કહ્યું હતું.
રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને યોગી આદિત્યનાથે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ‘શ્રી રાહુલ ગાંધીજી, તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે. તમારા વિભાજનકારી સંસ્કારોથી સમગ્ર દેશ પરિચિત છે. વિઘટનકારી કુસંસ્કારોનો પ્રભાવ તમારા પર એટલી હદે હાવી છે કે, ફળના સ્વાદને પણ તમે ક્ષેત્રવાદની આગમાં હોમી દીધો. પરંતુ યાદ રહે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતનો સ્વાદ એક જ છે.’
તેમના પહેલા ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશને પણ રાહુલ ગાંધીના કેરી અંગેના નિવેદનને લઈ પ્રતિક્રિયા આપી હતી. રવિ કિશને લખ્યું હતું કે, ‘રાહુલજીને યુપીની કેરી નથી પસંદ અને ઉત્તર પ્રદેશને કોંગ્રેસ નથી પસંદ. હિસાબ બરાબર.’
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેના માટે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ પોતે જ કમાન સંભાળી છે. તેમણે તાજેતરમાં જ લખનૌની મુલાકાત લીધી હતી જેમાં યોગી સરકાર સામે અનેક આકરા કટાક્ષ કર્યા હતા.
રાહુલ ગાંધી અને પત્રકારો વચ્ચે ખૂબ જ હળવા અંદાજમાં વાતચીત થઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને યુપીની કેરી પસંદ નથી. મને આંધ્ર પ્રદેશની કેરી પસંદ છે. લંગડો તો તો પણ ઠીક છે, પરંતુ દશેરી મારા માટે ખૂબ મીઠી છે. રાહુલ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!