કોરોના વેક્સિન પર મોટો સમાચાર : ૧૨થી ૧૭ વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાને યુરોપમાં મંજૂરી મળી
(જી.એન.એસ.)લંડન,તા.૨૪
વિશ્વમાં ફરી એકવાર કોરોના કેસ વધવા માંડ્યા છે. આવી સ્થિતિમાં મોટા ભાગના દેશો યુદ્ધના ધોરણે વેક્સિનેશનમાં રોકાયેલા છે. હાલમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બાળકો પર હજી પણ વાઇરસનું જાેખમ તોળાઈ રહ્યું છે. હવે આ મામલે એક સારા સમાચાર સામે આવ્યા છે. યુરોપિયન યુનિયનની ટોચની તબીબી સંસ્થાએ ૧૨-૧૭ વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ પહેલાં યુરોપિયન મેડિસિન એજન્સીએ મે મહિનાની શરૂઆતમાં આ વય જૂથ માટે ફાઇઝરને મંજૂરી આપી હતી.
ઇએમએએ કહ્યું હતું કે ૧૨થી ૧૭ વર્ષની વયનાં બાળકો માટે સ્પાઇકવેક્સ વેક્સિનનો ઉપયોગ ૧૮ વર્ષ અને તેથી વધુ વયના લોકોની જેમ જ કરવામાં આવશે. વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે. તેમની વચ્ચે ફક્ત ૪ અઠવાડિયાંનું અંતર રાખવામાં આવશે.
ઇએમએ અનુસાર, ૧૨-૧૭ વર્ષની વયનાં ૩,૭૩૨ બાળકો પર સ્પાઇકવેક્સની ટ્રાયલ કરવામાં આવી હતી. એનાં પરિણામો સકારાત્મક રહ્યાં. આ દરમિયાન જાણવા મળ્યું કે દરેકના શરીરમાં એન્ટિબોડી સારી એવી માત્રામાં બની છે. એટલી જ એન્ટિબોડી ૧૮થી ૨૫ વર્ષની વયના લોકોમાં પણ જાેવા મળી હતી.
જ્યારે ફાઈઝરે ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર પણ તેની વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. અભ્યાસના પ્રથમ તબક્કામાં ઓછી સંખ્યામાં નાનાં બાળકોને વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઈઝરે વિશ્વના ચાર દેશોમાં ૪,૫૦૦થી વધુ બાળકોની પસંદગી કરી છે.