દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ – ડિઝલ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારોમાં રેલી કાઢી : પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત

રિપોર્ટર : ગનન સોની

દાહોદ તા.28

પેટ્રોલ – ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત ભાવ વધારાના પગલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર પર વિવિધ આક્ષેપો કરી પેટ્રોલ – ડીઝલ સહિત ચીજ – વસ્તુઓના ભાવમાં ઘટાડો નહીં કરે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઝાલોદ નગરમાં સાયકલ રેલી સહિત પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલીમાં કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સહિત કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ રેલી ઝાલોદ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી હતી જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ કહી સત્તામાં આવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે દેશની ગરીબ જનતાના ધંધા રોજગાર પડી ભાંગતાં જનતા આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલ છે તેવા કપરા સમયે ભાજપ સરકાર દ્વારા દેશની જનતાની ચિંતા કર્યા વગર હિટલર શાહી વલણ અપનાવી રાજ્ય સરકારની અનધડ અને નિષ્ફળ નીતિ રીતીના કારણે સરકારના પોતાના ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિને ખુશ કરવા માટે ડીઝલ – પેટ્રોલ અને રાંધણગેસ તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ઉપર દિનપ્રતિદિન કમરતોડ ભાવ વધારો કરી દેશની જાહેર જનતાના પેટ પર લાત મારી જાહેર જનતાને મોંઘવારીના ખપ્પરમાં હોમી દેવાનું જે ષડયંત્ર સરકાર દ્વારા કરવામાં આવે છે જેના કારણે જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આર્થિક સંકડામણ પણ જાહેર જનતા અનુભવી રહી છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા પોતાનું મનસ્વી ભર્યું વલણ નહીં બદલે અને જાહેર જનતાની ચિંતા કરી ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષ ઉગ્ર આંદોલન કરી જાહેર રસ્તા પર ઉતરશે તેવી ચીમકી પણ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: