લીમખેડાના પાલ્લી ગામની નર્સના બેન્ક ખાતામાંથી રૂા.૧.૫૦ લાખ ઉડી ગયાં : કેવાયસી અપડેટ કરવાનું કહી ફ્રોડ કોલર કારસ્તાન કરી ગયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બેન્કમાં કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણી વ્યક્તિએ પાલ્લી ગામે રહેતાં એક ૨૮ વર્ષીય યુવતીના મોબાઈલ પર ફોન કરી યુવતીના એટીએમ કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર મેળવી તેની પાસેથી ઓટીપી લઈ યુવતીના બેન્ક ખાતામાંથી કુલ રૂા.૧,૫૦,૦૧૭ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
ગત તા.૨૮મી ઓક્ટોમ્બર ૨૦૨૦ના રોજ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે રેવન્યું ક્વાટર્સમાં રહેતી અને લીમખેડામાં સી.એચ.સી.માં નર્સ તરીકે ફરજ બજાવતી ૨૮ વર્ષીય પ્રિયંકાબેન ખીમસિંહ ચારેલના મોબાઈલ ફોન પર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પ્રિયંકાબેનને કહેલ કે, હું બેન્કમાંથી ઓમપ્રકાશ વર્મા બોલું છું અને તમારા બેન્ક ખાતામાં કેવાયસી અપડેટ કરવાનું છે જેથી તમો તમારા એ.ટી.એમ. કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર આપો, તેમ જણાવતાં પ્રિયંકાબેને પોતાના એટીએમ કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર અજાણી વ્યક્તિને આપી દીધાં હતાં આ બાદ પ્રિયંકાબેનના મોબાઈલ પર ઓટીપી કોડ આવ્યો હતો આ ઓટીપી કોડ પણ પ્રિયંકાબેને અજાણી વ્યક્તિને આપી દેતાં અજાણી વ્યક્તિ દ્વારા પ્રિયંકાબેનના બેન્ક ખાતામાંથી કુલ રૂા.૧,૫૦,૦૧૭ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે લગભગ ૧૦ માસ બાદ પ્રિયંકાબેન ખીમસીંહ ચારેલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ગતરોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.