દે.બારીયા તાલુકાના ડભવા ગામે સુથાર ફળીયામાં વિવાદવાળી જમીનમાં મકાનનું ખાતમુર્હૂત કરવાના મામલે બે જૂથ બાખડ્યા
દાહોદ, તા.૧૬
દે.બારીયા તાલુકાના ડભવા ગામે સુથાર ફળીયામાં વિવાદવાળી જમીનમાં ઘર બનાવવા ખાતમુર્હૂત કરતી વેળાએ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારી થતા બંને પક્ષ દ્વારા સામસામે પોલીસમાં ફરીયાદ કરાયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ડભવા ગામના સુથાર ફળીયામાં રહેતા કીરીટભાઈ ચંદુભાઈ સુથાર, યોગેશભાઈ ચંદુભાઈ સુથાર, ચંદુભાઈ દેશીંગભાઈ સુથાર, ચીંતનકુમાર મણીલાલ સુથાર, વિજયભાઈ બીજલસિંહ સુથાર, ભુપેન્દ્રભાઈ અજીતભાઈ સુથાર, હીતેશભાઈ બળવંતભાઈ સુથાર, ઉપેન્દ્ર ઉર્ફે લક્કી વિજયભાઈ સુથાર ગતરોજ બપોરે સાડા બાર વાગ્યાના સુમારે તેમના ગામના ડભવા આશ્રમ ફળીયામાં રહેતા જશવંતભાઈ સવજીભાઈ સુથારની માલીકીની જમીનમાં મકાન બનાવવાનું ખાત મુર્હુત કરતા હતા. તે વખતે જશવંતભાઈ સવજીભાઈ સુથાર અને તેના ઘરના માણસોએ આવી આ જમીન આપણી વિવાદવાળી છે તમો જ્યાં સુધી જમીનનો નિકાલ ન આવે ત્યાં સુધી તે જમીનમાં ખાતમુર્હૂત કરવાનું રહેવા દો તેમ કહેતા ઉપરોક્ત આઠે જણા એકદમ ઉશ્કેરાયા હતા અને એક સંપ કરી જશવંતભાઈ સુથાર તથા તેમના ઘરના માણસોને ગાળો આપી ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી હતી તથા જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે જશવંતભાઈ સવજીભાઈ સુથારની ફરીયાદના આધારે સાગટાળા પોલીસે ઉપરોક્ત સુથાર કુટુંબના ૮ જણા વિરૂધ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૩ર૩, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષના ડભવા ગામના સુથાર ફળીયામાં રહેતા ટીનાબેન કીરીટકુમાર ચંદુભાઈ સુથારએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ ટીનાબેન કીરીટકુમાર સુથાર તથા તેમના ઘરના માણસો પોતાની માલીકીની જમીનમાં નવીન મકાનનું ખાતમુહુર્ત કરી રહ્યા હતા. તે વખતે જશવંતસીંહ સવજીભાઈ સુથાર, અશોકભાઈ પારસીંગભાઈ સુથાર, કનુભાઈ પારસીગભાઈ સુથાર, જીગ્નેશકુમાર કનુભાઈ સુથાર, વિનોદભાઈ સુરસીંહભાઈ સુથાર, અશ્વીનકુમાર રણજીતસિંહ સુથાર, સુરેશભાઈ રણજીતસિંહ સુથાર, દેવેન્દ્રસિંહ જશવંતસીંહ સુથાર તથા સવજીભાઈ દેશીંગભાઈ સુથાર વગેરેએ ભેગા મળી એક સંપ કરી આવી ટીનાબેન સુથાર તથા તેમની સાથેના માણસોને બેફામ બિભત્સ ગાળો આપી તમો અમારી જમીનમાં કેમ મકાન બનાવો છો તેમ કહી ટીનાબેન તથા તેમની સાથેના માણસોને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંદર્ભે સાગટાળા પોલીસે સુથાર પરિવારના ઉપરોક્ત નવ જણા વિરૂધ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૩ર૩, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

