દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા થયેલ વધુ એક કાર્યવાહી : ફતેપુરા તાલુકાના બે તથા ગરબાડા તથા લીમખેડા તાલુકાના એક- એક શિક્ષકોને જી.પી.એફ ખાતામાંથી કરેલી ઉપાડની રકમ વ્યાજ સહિત જમા કરવા નોટિસ અપાઇ હતી : ચાર શિક્ષકો પાસેથી કુલ રૂપિયા-8,02,339/-વ્યાજ સહિત રકમ વસુલાત કરવામાં આવી : અનિયમિતતા સબબ જે-તે સમય દરમિયાન શિક્ષણ શાખાની હિસાબી શાખામાં ફરજ બજાવતા સંબંધિત કર્મચારી/અધિકારી સામે ખાતાકીય તપાસ કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને ભલામણ કરવામાં આવી.
રિપોર્ટર : યાસીન મોઢીયા
(પ્રતિનિધિ ) સુખસર,તા.30
દાહોદ જિલ્લા હસ્તકની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના નાણાકીય વર્ષ 2012-13 ના જી.પી.એફ.ના ઓડિટ અહેવાલમાં અંશતઃ આખરી ઉપાડની રકમના ખાતાવહીમાં ન ઉધારવા બાબતની અનિયમિતતાની નોંધ લેવામાં આવી.સદર બાબતે રેકર્ડની ચકાસણી કરતા ફતેપુરા તાલુકાના 2 તથા ગરબાડા અને લીમખેડા તાલુકાના એક-એક શિક્ષકના જી.પી.એફ ખાતામાં હિસાબ અંગેની અનિયમિતતા સ્પષ્ટતાપૂર્વક જણાવેલ જોવા મળેલી આ ગંભીર બાબતો પરત્વે સંલગ્ન શિક્ષકોને પોતાના જી.પી.એફ ખાતામાંથી કરેલ ઉપાડની રકમ વ્યાજ સહિત નિયત દરે જમા કરવા નોટિસ આપવામાં આવેલ હતી. નોટિસ આપી અત્રેની કચેરીથી મળેલ મંજૂરી અને આધિન સદર ચાર પ્રાથમિક શિક્ષકો પાસેથી અનુક્રમે રૂપિયા-1,72,566/-,3,19,380/-,1,72,945/-,તથા રૂપિયા-1,37,448/- આમ કુલ મળી રૂપિયા8,02339/- પુરાની વ્યાજસહિતની રકમ વસુલાત કરવામાં આવેલ છે.
પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ ખાતાનું વર્ષ-2012-13 તેમજ પછીના વર્ષનુ મેળવણુ કરવામાં આવેલ છે. હવેથી શિક્ષકોના જી.પી.એફ.ઉપાડ માટે શિક્ષકોની ખાતાવહીમાં શરૂઆતના વર્ષથી ચકાસણી કરી બચત સિલક ની ખરાઇ કરવામાં આવે છે.અત્રેની કચેરી દ્વારા તમામ શિક્ષકોને પોતાના ખાતાના હિસાબ અંગેની સ્લીપો આપવામાં આવે છે.સદર સ્લીપો મળ્યેથી પોતાના જી.પી.એફ ખાતાના હિસાબ અંગેની કાળજી રાખવાની પ્રાથમિક શિક્ષકની પણ નૈતિક ફરજ બને છે.પોતાના ખાતાના હિસાબ અંગેની વિસંગતતા જણાય તો અત્રેની કચેરીના તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.વધુમાં વર્ષ-2012-13ના જી.પી.એફ.ઓડિટ અહેવાલમાં જણાઇ આવેલ અનિયમિતતા સબબ જે-તે સમય દરમિયાન શિક્ષણ શાખા અને હિસાબી શાખામાં ફરજ બજાવતા સંબંધિત કર્મચારી/અધિકારી સામે ખાતાકીય તપાસ અંગે જિલ્લા વિકાસ અધિકારી દાહોદને ભલામણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

