બિન મુસ્લિમ સાથે નિકાહ શરીયતમાં ગેરકાયદે : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
મુસ્લિમ છોકરા-છોકરીઓના બિન મુસ્લિમ સાથેના નિકાહને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડએ શરીયતમાં ગેરકાયદેસર ઠેરવી દીધું છે. બોર્ડના કાર્યવાહક મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીના કહેવા પ્રમાણે એક મુસ્લિમ છોકરી ફક્ત મુસ્લિમ છોકરા સાથે જ નિકાહ કરી શકે.
આ જ રીતે, એક મુસ્લિમ છોકરો એક મુશરિક (બહુદેવવાદી) સાથે નિકાહ ન કરી શકે. જાે બિન મુસ્લિમ સાથે નિકાહ થાય તો શરીયત પ્રમાણે તે માન્ય નહીં ગણાય.
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, માતા-પિતા પોતાના બાળકોની દીની (ધાર્મિક) શિક્ષાની વ્યવસ્થા કરે. છોકરા-છોકરીઓના મોબાઈલ ફોન વગેરે પર આકરી નજર રાખો. શક્ય તેટલું છોકરીઓને ગર્લ્સ સ્કુલમાં ભણાવવા પ્રયત્ન કરો. એ સુનિશ્ચિત કરો કે, તેમનો સમય શાળાની બહાર બીજે ક્યાંય વ્યતીત ન થાય.
બોર્ડે જણાવ્યું કે, સામાન્ય રીતે રજિસ્ટ્રી ઓફિસે લગ્ન કરનારા છોકરા-છોકરીઓના નામની યાદી પહેલેથી જ બહાર પાડી દેવામાં આવે છે. ધાર્મિક સંગઠન, સંસ્થાઓ, મદરેસાઓના શિક્ષક ગણમાન્ય લોકો સાથે તેમના ઘરે જઈને સમજાવો.
લગ્નમાં મોડું ન કરો. ખાસ કરીને છોકરીઓના. સમય પર લગ્ન કરો. લગ્નમાં મોડું પણ આવી ઘટનાઓ પાછળનું એક મોટું કારણ છે. ઉલમા-એ-કિરામ જલસામાં આ વિષય પર ખિતાબ કરે અને લોકોને તેના નુકસાનથી જાગૃત કરે.
મહિલાઓ માટે વધુ ને વધુ ઈજ્તેમા થાય અને તેમાં સુધારાત્મક વિષયો સાથે ચર્ચા કરો. મસ્જિદોના ઈમામ જુમાના ખિતાબ, કુરઆન અને હદીસના દર્સમાં આ વિષય પર ચર્ચા કરે અને લોકોને તેમની દીકરીઓને કેવી રીતે પ્રશિક્ષિત કરવી જાેઈએ તે જણાવે જેથી આવી ઘટનાઓ ન બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: