દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના શિક્ષકો દ્વારા આજરોજ બીજા તબક્કામાં દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર પોતાની વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે મૌન ધરણાં કાર્યક્રમ યોજ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના શિક્ષકોના લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓનું આજદિન સુધી નિરાકરણ નહીં આવતાં આજરોજ દાહોદ જિલ્લાના શિક્ષકો દ્વારા દાહોદ કલેક્ટર કચેરીની બહાર કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા પ્રથમ તબક્કામાં દાહોદના કલેક્ટર, ડીઈ તેમજ સંસંદ સભ્ય વિગેરેને પોતાની વિવિધ માંગણીના પ્રશ્નો બાબતે તેમજ પડતર પ્રશ્નો સંબંધિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રજુઆતો છતાંય પોતાની માંગણી તરફ કોઈ ધ્યાન દોરવામાં આવ્યું ન હોવાથી આજરોજ દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના શિક્ષકો દ્વારા બીજા તબક્કામાં દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, જાે આગામી દિવસોમાં પણ પોતાની વિવિધ પડતર માંગણી તરફ ધ્યાન દોરી યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે પણ ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેમ શિક્ષકો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલો આગામી દિવસોમાં કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું. આજના આ મૌન ધરણા કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો મોટી સંખ્યામાં જાેડાયાં હતાં.