નવદિવસીય વિકાસકાર્યોની હેલીમાં આજે દાહોદમાં ધોધમાર : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૫૯૦ પરિવારોને મળ્યું પોતાનું ઘર, ૬૨૯૩ પરિવારોના ઘરનું ખાતમૂહુર્ત સંપન્ન : ઝાલોદના રૂપાખેડા ખાતે ગુજરાત ઉર્જા વિકાસ બોર્ડ દ્વારા નિર્મિત ૨૨૦ કિ.વોટના સબસ્ટેશનનું લોકાર્પણ


દાહોદ ખાતે ઔધોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્રનાં રૂ. ૩૬.૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક નવનિર્મિત બહુમાળી ભવનનું પણ લોકાર્પણ
૦૦૦
જિલ્લાને ફાળવાયેલી નવી પાંચ એસ.ટી. બસોનું મહાનુભાવોએ ફલેગઓફ કર્યું
૦૦૦

દાહોદ, તા. ૭ : દાહોદનાં સ્વામી વિવેકાનંદ સંકુલેથી કેટલાંક સામાન્ય માણસો હરખભેર પોતાના ઘરની ચાવી લઇને નીકળ્યા !!! હા. રાજ્ય સરકારનાં નવદિવસીય સેવાયજ્ઞ નિમિત્તે આજના વિકાસ દિવસે દાહોદનાં હજારો સામાન્ય માણસો આવો આનંદ માણી રહ્યાં છે કારણ કે આજે વિકાસકાર્યોના લોકાર્પણ થકી જિલ્લાનાં ૧૫૯૦ પરિવારોને પોતાનું ઘર મળ્યું છે અને ૬૨૯૩ લોકોના ઘરનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે આવાસ યોજનાઓ સહિત ઝાલોદના રૂપાખેડા ખાતે ગુજરાત ઉર્જા વિકાસ બોર્ડ દ્વારા નિર્મિત ૨૨૦ કિ.વોટના સબસ્ટેશન, સંજેલી ખાતે રૂ. ૧.૬૭ કરોડના ખર્ચે નવનિર્મિત બસસ્ટેશન, દાહોદ ખાતે ઔધોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્રનાં રૂ. ૩૬.૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક નવનિર્મિત બહુમાળી ભવનનું તેમજ જિલ્લાને ફાળવાયેલી નવી પાંચ એસ.ટી. બસોનું પણ ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદનાં પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇએ જણાવ્યું કે, દાહોદમાં આજે વિવિધ વિકાસકાર્યોની હેલી વરસી છે. દાહોદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૫૯૦ પરિવારોને રૂ. ૧૯૦૮ લાખની સહાય થકી પોતાનું ઘર મળ્યું છે. જયારે ૮૬.૪ લાખના પ્રથમ હપ્તાની ચૂકવણી સાથે ૬૨૯૩ પરિવારોના ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ કરોડાનાં લોકઉપયોગી વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, કોઇ પણ રાજ્યના વિકાસ માટે રાજકીય સ્થિરતા ખૂબ જરૂરી છે. જે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યને મળી છે અને ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં પોતાના કાર્યકાળ દરમિયાન વિકાસની જે કેડી કંડારી હતી તે જ પદચિહ્નો પર ચાલીને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યને સુશાસન થકી ઉત્તમ થી સર્વોત્તમ તરફ દોરી જઇ રહ્યાં છે.
કાર્યક્રમ સ્થળેથી દાહોદ જિલ્લામાં ફાળવવામાં આવેલી નવી એસ.ટી. બસોને મહાનુભાવોએ ફલેગઓફ કરી રવાના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાતે સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોએ લાભાર્થી નાગરિકોને મંજૂરીપત્રો એનાયત કર્યા હતા.
આ વેળાએ લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી જિથરાભાઇ ડામોર, એપીએમસીના ચેરમેન શ્રી કનૈયાલાલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ લાભાર્થી નાગરિકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!