આદિવાસીઓના અધિકારીઓ અને સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કરવામાં આવ્યું છે : ગુહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા : દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિનના કાર્યક્રમમાં સહભાગી બનતા ગૃહ રાજ્યમંત્રી શ્રી જાડેજા, લાભાર્થીઓને સહાય – લાભોનું વિતરણ
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલને ગુજરાત સરકારમાં નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર આરંભવામાં આવેલા સેવાયજ્ઞના છેલ્લા દિવસ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે દાહોદ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહભાગી બન્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં રાજ્યના આદિવાસી સમાજની અવગણના કરવામાં આવી હતી. તેની સામે હાલમાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં કરાયેલા વિકાસ નજરે દેખાય છે. આદિવાસીઓના અધિકારો અને સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કરવામાં આવ્યું છે.
અહીંના પંડિત દીનદયાલ સભાગૃહમાં યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં શ્રી જાડેજાએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, દેશની સ્વતંત્રતા ચળવળમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે અને તેનું આ યોગદાન દેશ ક્યારેય ભૂલી નહીં શકે. તેમણે બિરસા મુંડા, ગોવિંદ ગુરુના પુણ્ય નામનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજ્યના આદિવાસી વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસની વિગતો આપતા શ્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્યના આદિજાતિ ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૫૮૮૪ ગામોના વિકાસ માટે રૂ. એક લાખ કરોડની જોગવાઇ સાથે વનબંધુ કલ્યાણ યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરવામાં આવ્યા છે. જેમાં આદિવાસી વિસ્તારોમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પાણી, સિંચાઇ, વીજળી, રોજગાર સહિતના ક્ષેત્રોમાં કામ કરવામાં આવશે. આદિવાસી પરિવારોના લાભો સુનિશ્ચિત કરી તેમના અધિકારો અને સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં રાજ્યના તમામ આદિજાતિ જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે. આ પાંચ વર્ષમાં ૫૦૦ મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવશે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં આદિજાતિ વિકાસ પેટા યોજના અંતર્ગત રૂ. ૫૭,૭૯૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યા છે.
રાજ્યની ૬૬૧, આશ્રમ શાળાઓ, ૭૪ આદર્શ નિવાસી શાળાઓ, ૪૪ એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ કાર્યરત કરવામાં આવી છે. જેના કારણે આદિજાતિ પરિવારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે.
શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સમરસ, સરકારી અને અનુદાનિત મળી કુલ ૧૧૦૫ હોસ્ટેલમાં એક લાખથી પણ વધુ બાળકોને રહેવા અને જમવાની સગવડ આપવામાં આવી છે. ઠક્કર બાપાની પ્રેરણાથી શરૂ થયેલી આશ્રમ શાળાઓ માટે બે વર્ષમાં રૂ. ૮૦ કરોડની ફાળવણી કરી તેમાં આધુનિકકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આદિવાસી છાત્રોને ઉચ્ચશિક્ષણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સારી રીતે કરી શકે એ માટે આર્થિક સહાય સાથે છાત્રવૃત્તિ આપવામાં આવે છે.
ગૃહરાજ્ય મંત્રીશ્રીએ આ ઉપરાંત આદિજાતિ વિસ્તારમાં પશુપાલન, શિક્ષણ, કૃષિ, વીજળી, સિંચાઇ, માર્ગો, આરોગ્ય માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાની સિદ્ધિઓ પણ વર્ણવી હતી.
દાહોદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કનૈયાભાઇ કિશોરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોની વિગતો આપી નાગરિકોને કોરોના સામેની રસી લેવા અપીલ કરી હતી.
આ વેળાએ રાજપીપળા ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતિઓ રસપૂર્વક નીહાળ્યું હતું.
શ્રી જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા આદિજાતિ લાભાર્થીઓને તેમને મળવાપાત્ર લાભો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી જાડેજાએ આ કાર્યક્રમ પૂર્વે શ્રી બીરસા મુંડાની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ વેળાએ નગરપાલિકાના પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી જીથરાભાઇ ડામોર, સભ્ય શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, શ્રી પર્વતભાઇ ડામોર, શ્રીમતી ગૌરીબેન , શ્રી રમણભાઇ ભાભોર, વરિષ્ઠ અધિકારી શ્રી પી. એસ. નિનામા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, એસપી શ્રી હિતેશ જોયસર, પ્રાયોજના વહીવટદાર શ્રી બી. ડી. નિનામા ઉપસ્થિત રહ્યા હતા.