દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ, દાહોદ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગોલાના પાલ્લા ગામે દંપતિની કરપીણ હત્યા મામલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદનપત્ર સુપ્રરત કર્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ શહેરમાં આજરોજ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પધાર્યા હતાં. આ પ્રગંસે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામે પંચાલ સમાજના આગેવાન એવા દંપતિની કરપીણ હત્યાના બનાવનો દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ, દાહોદ દ્વારા આ ઘટનાનો ભેદ ઉકેલાય અને હત્યારાઓને પકડી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથેનું એક આવેદનપત્ર ગૃહરાજ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું.
સમગ્ર મહીસાગર,પંચમહાલ જિલ્લા સહિત દાહોદ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યને હચમચાવી મુકનાર એવી ઘટના મહીસાગરના લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામે થોડા દિવસો પહેલા બનવા પામી હતી જેમાં ગોલાના પાલ્લા ગામના વતની અને પંચાલ સમાજના આગેવાન સહિત ભાજપા પાર્ટીમાં સક્રિય એવા અગ્રણી અને નામચીન ત્રિભોવનદાસ પંચાલ અને તેમના ધર્મપત્નિ જશોદાબેનની કોઈક અજાણ્યા હત્યારાઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના ઉચ્ચસ્તરીય પડઘાઓ પણ પડ્યાં હતાં અને આ મામલે ગાંધીનગરના અધિકારીઓ અને સરકાર દ્વારા આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવા સખ્ત આદેશો પણ કરી દેવામાં આવ્યાં છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં પધારેલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ, દાહોદ દ્વારા આ મામલે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર, ત્રિભોવનદાસ અને તેમના ધર્મ પત્નિ જશોદાબેનની કરપીણ હત્યાની આ અમાનવીય કૃત્યને દાહોદના પંચાલ સમાજના લોકો સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ હત્યાવી ન્યાયીક અને તટસ્થ તપાસ કરાવી ગુનાનો ભેદ ઉકેલાય અને આરોપીઆને પકડી પાડી કડકમાં કડક સજા થાય તેવી લાગણી અને માંગણી સાથે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ, દાહોદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.