દાહોદ પોલીસ અને સ્માર્ટ સિટીના સીસીટીવી કેમેરા એક લિંકથી જોડાશે : ચોરી અને ઘરફોડ ચોરીની ઘટનામાં મૂળ સુધી પહોંચી ગુના ઉકેલવા ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની દાહોદ પોલીસને સૂચના : પોલીસ સ્ટેશનમાં રહેલા ભંગારનો નિકાલ અને દારૂના જથ્થાનો ત્વરિત નાશ કરવા દાહોદને પોલીસને જણાવતા ગૃહરાજ્યમંત્રીશ્રી : કોરોનાની ત્રીજી લહેર સામે જિલ્લામાં વહીવટી તંત્રની આરોગ્યલક્ષી તૈયારીની વિગતો મેળવી સમીક્ષા કરાઇ
દાહોદ નગરની એક દિવસની મુલાકાતે આવી પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિની માહિતી મેળવી હતી. આ બેઠકમાં તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દાહોદ ઇન્દોર હાઇવે ઉપર લૂંટની ઘટનાઓ નિવારવા માટે પોલીસ સહાયતા કેન્દ્ર સફળ રહ્યા છે. દાહોદ પોલીસે આવી લૂંટની ભૂતકાળની ઘટનાઓ ધ્યાને રાખીને પોલીસ સહાયતા કેન્દ્ર બનાવ્યા છે. જેના કારણે ગત્ત વર્ષે હાઇવે રોબરીની એક પણ ઘટના બની નથી.
દાહોદ નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે સીસીટીવીનું નેટવર્ક વધારવાનું આયોજન છે. આ માટે દાહોદ પોલીસના નેત્રમ્ પ્રોજેક્ટ ઉપરાંત સ્માર્ટ સિટીના કેમેરાને એક લિંકથી જોડવા માટે કાર્યવાહી હાથ ધરવા આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે. દાહોદમાં કેમેરાનું નેટવર્ક એક થતાં સુરક્ષાલક્ષી નિગરાની વધુ સારી રીતે કરી શકાશે. દાહોદમાં પોલીસ અને સ્માર્ટ સિટીના ૬૦૦ જેટલા કેમેરા કાર્યરત છે.
શ્રી જાડેજાએ એમ પણ કહ્યું કે દાહોદ જિલ્લામાં પીપલોદ પોલીસ સ્ટેશન કાર્યરત થતાં ગ્રામીણ વિસ્તારમાં ચાકલિયા બાદ ટૂંક સમયમાં આ બીજું પોલીસ સ્ટેશન છે. લીમખેડા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સારી થશે.
દાહોદ જિલ્લાના પોલીસ સ્ટેશન સ્વચ્છ અને સુંદર બને તે માટે સ્ટેશન ખાતે રહેલા ભંગારનો ત્વરિત નિકાલ કરવા ઉપરાંત પોલીસ દ્વારા પડકાયેલા દારૂના જથ્થાનો પણ નિયમોનુસારની કાર્યવાહી ઝડપથી કરી નાશ કરવા તેમણે સૂચના આપી છે. પશુ અત્યાર નિવારણ માટે એક ફૂલપ્રુફ પ્લાન બનાવવા માટે તેમણે દાહોદ પોલીસને જણાવ્યું હતું.
તેમણે પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે દાહોદ જિલ્લામાં નોંધાતા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાના મૂળ સુધી જઇ તેના આરોપીને નશ્યત કરવા જોઇએ. આ ઉપરાંત, હાઇવે ઉપર થતાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક પોલીસને સક્રીયતાથી કામે લગાડવા તેમણે જણાવ્યું હતું. મહિલાઓ વિરુધ્ધ થતાં અત્યારો અંગે સામાજિક આગેવાનોને સાથે રાખીને જનજાગૃતિ અભિયાન ચલાવવાનું પ્રેરક સૂચન પણ તેમણે કર્યું હતું.
જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અંગેનું વિગતવાર પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. શ્રી જાડેજાએ દાહોદ પોલીસના ક્રાઇમ ડિટેક્શન રેશિયાની પ્રશંસા કરી હતી. સાથે તેમણે કોરોનાની ત્રીજી લહેર સામે જિલ્લામાં આરોગ્યલક્ષી તૈયારીની વિગતો મેળવી હતી અને તેની સમીક્ષા કરી હતી.
દાહોદ પોલીસમાં ઉમદા કામગીરી કરનારા પોલીસ નિરીક્ષક શ્રી ભાવિક શાહ તથા શ્રી એચ. પી. કરેણનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા અને શ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, અગ્રણી શ્રી શંકરભાઇ અમલિયાર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






