દાહોદ શહેરમાંથી મહિલાની સોનાની ચેઈન તોડી ફરાર ગઠીયાને દાહોદ શહેર પોલીસે ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં આવેલ મહાવીર જૈન સમાજની વાડી ખાતેથી પસાર થઈ રહેલ એક મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ફરાર થઈ ગયેલા ગઠિયાને દાહોદની નેત્રમ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની મદદથી ચેન સ્નેચિંગ કરનાર આરોપીને ગણતરીના કલાકમાં દાહોદ શહેર પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે ત્યારે ઝડપાયેલ ચોર પાસેથી ૭૫ હજારની કિંમતની સોનાની ચેન અને મોટરસાયકલ મળી કુલ રૂ. ૯૫ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
ગત તા.૧૩મી ઓગષ્ટના રોજ દાહોદ શહેરમાં ગુજરાતીવાડમાં રહેતાં ૫૫ વર્ષીય વીણાબેન અશ્વિનભાઈ પન્નાલાલ જૈન મહાવીર શેરી જૈન સમાજની વાડી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે ગઠીયાઓએ વીણાબેનના ગળામાંથી ૨૫ ગ્રામની સોનાની ચેઈન કિંમત રૂા.૭૫,૦૦૦ની તોડી લઈ ફરાર થઈ જતાં આ સમાચાર વાયુવેગે શહેરમાં ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે વીણાબેન અશ્વિનભાઈ પન્નાલાલ જૈને દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી ત્યારે પોલીસે આ ગુન્હા ને ગંભીરતાથી લઈ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વિશ્વાસ પ્રોજેક્ટ ના નેત્રમ કમાન્ડ ના સીસીટીવી કેમેરાના ડેટા તેમજ ફૂટેજના આધારે સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા પહેરેલ કપડા વર્ણન વાળા ઈસમનું ફૂટે જ મળતા પોકેટ કોપ આધારે તથા સીસીટીવી ફુટેજમાં જણાવેલ ઈસમની ખાનગી રાહે પોલીસે તપાસ કરતા જીતેશભાઈ રમશુંભાઈ ભાભોર (રહે. મોટીખરજ, ભાભોર ફળિયું, તાલુકો જિલ્લો દાહોદ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક આ ચોર ઇસમને ઝડપી પાડી તેની પાસેથી ૭૫ હજારની સોનાની ચેન કબજે કરી હતી અને ૨૦ હજારની કિંમતની મોટરસાયકલ પણ કબજે લઇ ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

