દાહોદ જિલ્લ્લામાં ફરીવાર મહિલા ઉપર અત્યાચારનો બનાવ સામે આવ્યો : ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ચાર જણાએ ભેગા મળી માત્ર નાની વાતે મહિલાને લાકડી વડે માર મારી, રોડ પર ઢસડી ભારે માર મારતાં પોલીસમાં ફરિયાદ : તમામ આરોપીઓને પકડી પાડતી પોલીસ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં ફરી એકવાર મહિલા ઉપર થતાં અત્યાચારનો બનાવ સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુંટુંબની સ્ત્રીઓ જાેડે કેમ બોલાચાલી રાખવા મામલે એક મહિલાને પોતાનાજ પરિવારના ૦૪ જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લોકડીઓ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી રોડ પર ઢસડી મારી નાંખવાની ધમકીઓ આપતો વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થતાં વેંત એક્શનમાં આવેલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ આ મામલે અત્યાચારનો ભોગ બનેલ પરણિતાએ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
એકાદ માસ અગાઉ ધાનપુર તાલુકાના ખજુરી ગામે એક પરણિતા અને તેના પ્રેમીને જાહેરમાં માર મારી પરણિતાએ પહેરી રાખેલ વસ્ત્રો ફાડી નગ્ન હાલતમાં પરણિતાને ગામમાં ફેરવી ઢોર માર માર્યાનો બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરીવાર મહિલા ઉપર અત્યાચારનો બનાવ સામે આવ્યો છે સ્વાતંત્ર્ય પર્વના બીજા દિવસે એટલે કે, તારીખ ૧૬મી ઓગષ્ટના રોજ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે રહેતી ૫૦ વર્ષીય મહિલા મણીબેન મખલાભાઈ ગેંદાલભાઈ વળવાઈને પોતાનાજ કુંટુંબના દિતાભાઈ સકુડાભાઈ બળવાઈ, પંકજભાઈ છગનભાઈ બળવાઈ, પારૂભાઈ મકાભાઈ વળવાઈ અને રમણભાઈ જેતાભાઈ વળવાઈ દ્વારા મણીબેનને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, ભાભોર કુંટુંબના માણસો સાથે લડાઈ, ઝઘડો ચાલે છે, તો તું કેમ ભાભોર કુંટુંબની સ્ત્રીઓ સાથે બોલાચાલીનો વ્યવહાર રાખે છે, તેમ કહી ઉપરોક્ત ચારેય જણાએ મણીબેનને શરીરે લાકડીઓનો માર મારી, જમીન પર પાડી દઈ ઢસડી રોડ પર મુકી ત્યાં પણ માર મારી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં વેંત એક્શનમાં આવેલ પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લાવી હતી અને આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલ મણીબેન મખલાભાઈ ગેંદાલભાઈ વળવાઈ દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.