દાહોદ જિલ્લામાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જાહેરનામા દ્વારા આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ દરમિયાન જનહિતને ધ્યાને રાખીને કેટલાંક પ્રતિબંધો મૂકયાં : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી માસ્ક, સામાજિક અંતર સહિતનાં નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે

દાહોદ, તા. ૨૭ : દાહોદ જિલ્લામાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા દ્વારા આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ દરમિયાન જનહિતને ધ્યાને રાખીને કેટલાંક પ્રતિબંધો મૂકયાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શકયતાને ધ્યાને રાખીને આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
જાહેરનામાં મુજબ, આગામી તા. ૩૦ ઓગસ્ટને જન્માષ્ટમીને દિવસે રાત્રીને ૧૨ કલાકે પરંપરાગત રીતે કૃષ્ણજન્મની ઉજવણી કરી શકાશે. આ ઉજવણીમાં માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું નાગરિકોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. મંદિર પરિસરમાં એક સાથે ૨૦૦ વ્યક્તિ જ સામાજિક અંતરના નિયમ સાથે દર્શન કરી શકશે. મંદિરમાં ફરજીયાત માસ્ક, સામાજિક અંતર તેમજ ગોળ કુંડાળા કરીને ઉભા રહીને દર્શન કરવાના રહેશે. આ તહેવાર સંદર્ભે મહત્તમ ૨૦૦ વ્યક્તિ સાથે મર્યાદિત રૂટ પર પારંપરિક નિકળતી શોભાયાત્રા મર્યાદિત વાહનો સાથે આયોજન કરી શકાશે. આ ઉપરાંત કોરોના નિયંત્રણ માટે ગૃહ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પણ ધાર્મિક સ્થાનોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ તહેવારમાં મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહી.
આ ઉપરાંત જાહેરનામામાં આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા. ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ગણેશ મહોત્સવ અંગે પણ નિયમો તેમજ પ્રતિબંધો અમલી બનાવ્યા છે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની જયારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશમૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ –મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. તેમજ સામાજિક અંતર જળવાઇ રહે તે માટે ગોળ કુંડાળાની વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત પૂજા, આરતી, પ્રસાદ વિતરણ કરી શકાશે પરંતુ અન્ય કોઇ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહી.
ગણેશ સ્થાપન અને વિર્સજન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફતે કરી શકાશે. ઘરે સ્થાપન કરેલી મૂર્તિનું ઘરે જ વિર્સજન કરવાનું હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે વધારેમાં વધારે વિસર્જન કુંડ બનાવવાના રહેશે. તેમજ નજીકનાં વિસર્જન કુંડ ખાતે વિસર્જન કરી શકાશે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. આ જાહેરનામું તા. ૨૭ ઓગસ્ટના રોજ કલેક્ટરશ્રી દ્વારા પસિદ્ધ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!